વાવાઝોડાને કારણે અમેરિકાના અલાબામામાં ૧૨ લોકોનાં મોત
વોશિંગ્ટન: અમેરિકાના અલાબામામાં ઉષ્ણકટીબંધીય વાવાઝોડું ક્લોડેટને પગલે ૧૨ લોકોનાં મોત થયા છે. અમેરિકાના દક્ષિણ પૂર્વના રાજ્યોમાં આ તોફાનને કારણે સૌથી વધુ નુકસાન થયું છે. વરસાદ અને તોફાનને કારણે મોટી સંખ્યામાં મકાનો નાશ પામ્યા છે.
બે વાહનો ક્રેશ થતાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયા છે જેમાં ૯ બાળકો સામેલ છે. આ ઘટનામાં કેટલાક અન્ય લોકો પણ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તુસ્કાલૂસા શહેરમાં એક મકાન પર વૃક્ષ પડતા ૨૪ વર્ષના એક યુવાન તથા ૩ વર્ષના બાળકનું મોત થયું છે. જાે કે પીડિતોની હજુ સુધી ઓળખ થઇ શકી નથી.
મિસ્સીસિપ્પીના ગલ્ફ કોસ્ટમાં ૧૨ ઇંચ વરસાદ પડયો હતો. તોફાનને કારણે સૌથી વધુ નુકસાન અલાબામા અને જ્યોર્જિયામાં થયો છે. આ તોફાનની અસર ઉત્તર કોરોલિનાથી લઇને ડક ટાઉન સુધી જાેવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ ૪૫ કિલીમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આ તોફાન ઉત્તર કોરોલિના તરફ વળે તેવી શક્યતા છે. અલાબામાના નોર્થપોર્ટમાં ૨૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં. નોર્થપોટમાં રાહત શિબિર શરૂ કરવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.