વાવાઝોડાનો વિનાશ; અમદાવાદમાં ૨૨૪૦ વૃક્ષો ધરાશયી થયા

પ્રતિકાત્મક
ગોમતીપુરના કોર્પોરેટરોએ પડી ગયેલા ઝાડની ફરીયાદો મામલે ડે.મ્યુનિ.કમીશ્નરને આવેદનપત્ર આપ્યું
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં તૌકતે વાવાઝોડાના પગલે અનેક મોટા વૃક્ષો ધરાશયી થયા છે. તદ્પરાંત ભયજનક મકાનોના કેટલાંક હિસ્સા પડી જવાની પણ ઘટના બની છે. મ્યુનિ. ફાયર વિભાગ અને બગીચા ખાતા દ્વારા વાવાઝોડાની અસર પૂર્ણ થયા બાદ ગણતરીના કલાકો માંજ ઝાડ પડી જવાની ફરીયાદોના નિકાલ કરવામાં આવ્યા છે.
તેમછતાં “મેનપાવર”ની સમસ્યાના કારણે કેટલાક વિસ્તારોમાં ફરીયાદ નિકાલમાં વિલંબ થયો છે. ગોમતીપુરના કોર્પોરેટરોએ આ મુદ્દે ડે.મ્યુનિ.કમીશ્નર (ફાયર)ને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યા હતાં. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસ દરમ્યાન વાવાઝોડાની અસરના પરીણામે ૨૨૪૦ નાના-મોટા ઝાડ પડી ગયા છે.
મ્યુનિ. બગીચા વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ મધ્યઝોનમાં ૧૯૨, પશ્ચિમ ઝોનમાં ૫૧૫, ઉત્તરઝોનમાં ૧૮૦, પૂર્વઝોનમાં ૩૨૪, દક્ષિણ ઝોનમાં ૫૫૭, ઉ.પ.ઝોનમાં ૨૧૭ તેમજ દ.પ.ઝોનમાં ૨૧૫ ઝાડ પડી ગયા હતા. જેની ફરીયાદોનો મ્યુનિ. ફાયર વિભાગ અને બગીચા વિભાગ દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે.
મંગળવાર મોડી રાત્રી થી બુધવાર સાંજ સુધી ૨૨૪૦ પૈકી ૧૭૯૨ તુટી ગયેલા ઝાડ ખસેડી રોડ-રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. શહેરમાં મંગળવારે થયેલ વરસાદના કારણે ૨૦ સ્થળે ભુવા (સેટલમેન્ટ)ની ફરીયાદો પણ આવી હતી. જે પૈકી ૧૮ સ્થળે નિકાલ થઈ ગયાં છે જ્યારે ચાર જગ્યાએથી બ્રેક ડાઉનની ફરીયાદો પણ આવી હતી.
જેની કામગીરી ચાલી રહી છે. વાવાઝોડા અને વરસાદના કારણે ૪૬ જેટલી પાકી ખાનગી ઇમારતોને નુકસાન થયા છે. મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા અગમચેતીના પગલારૂપે ૯૯૪ હોડીંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા. શહેરમાં વાવાઝોડાના પગલે ઠેર-ઠેર મોટા વૃક્ષો ધરાશયી થઈ ગયા હતા. વાવાઝોડા અને વરસાદના કારણે ગણતરીના કલાકોમાં જ બે હજાર કરતા વધુ વૃક્ષો પડી જવાની ફરીયાદ મળતા અધિકારીઓ પણ મુંઝવણમાં મૂકાયા હતા.
મર્યાદિત સ્ટાફ અને સાધોનોના કારણે તમામ વિસ્તારોમાં સમયસર ફરીયાદોનો નિકાલ થયો નહતાં. ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝાડ પડી ગયા છે. જે અંગે મ્યુનિ. કન્ટ્રોલ રૂમ અને ફાયર વિભાગને વારંવાર ફરીયાદ કરવમાં આવી હતી તેમ છતાં તેનો નિકાલ થયો નથી.
બગીચા વિભાગ અને ફાયર વિભાના અધિકારીઓ મેન પાવર ઓછો હોવાના કારણો આપી રહ્યા છે. તેથી આ મુદ્દે ડે. મ્યુનિ. કમીશ્નર (ફાયર)ને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યુ હતુ. તેમજ ઝડપથી ફરીયાદોના નિકાલ કરવા માટે રજુઆત કરી હતી. ડે. મ્યુનિ. કમીશ્નરે પણ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. ગોમતીપુરના સાથી કોર્પોરેટરો ઝુલ્ફીખાન પઠાણ અને કમળાબેન પણ આવેદનપત્ર આપવા માટે સાથે આવ્યા હતા તેમ ઇકબાલ શેખે વધુમાં જણાવ્યું હતું.