Western Times News

Gujarati News

વાવાઝોડા બાદ અમરેલીમાં પીવાનું પાણી નથી મળી રહ્યું

પ્રતિકાત્મક

અમરેલીમાં ૨૨૦ કેવીના અગણિત પોલ ભારે પવનથી તૂટ્યા છે, હજુ ૪ દિવસ ઉના શહેર વીજળી વિહોણું રહેશે

અમરેલી: તૌકતે વાવાઝોડાને જઈને ત્રણ દિવસ થઈ ગયા છે. પરંતુ જે જિલ્લાઓમાં તેની સૌથી વધુ અસર થઈ છે ત્યાં જનજીવન હજી પણ થાળે પડ્યુ નથી. વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત અમરેલી જિલ્લાને ફરીથી બેઠુ થવામાં હજુ વધારે દિવસો લાગી જેવી તેવી હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે. તૌકતેને વિત્યાના ત્રણ દિવસ બાદની સ્થિતિમાં પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતની તંગી વર્તાઈ રહી છે. ઉનામાં જ્યાં એક તરફ પીવા માટે પાણી નથી મળી રહ્યું છે, ત્યાં બીજી તરફ અનેક પ્રાથમિક જરૂરિયાતની તંગી વર્તાઈ રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા માટે લોકો વલખા મારી રહ્યાં છે. ૧૪ ઇંચ વરસાદ જ્યાં વરસ્યો હોય ત્યાં પીવાના પાણી માટે લોકો લાચાર બન્યા છે.

તો બીજી તરફ તંત્ર દ્વારા હજી પણ થઈ જશે અને આવી જશે જેવા જવાબો મળી રહ્યાં છે. આ જવાબથી પ્રજા ત્રાહિમામ બની ગઈ છે. તો બીજી તરફ, પેટ્રોલની સ્થિતિ પણ વણસી છે. પેટ્રોલપંપને નુકસાન થવાથી તે પણ હજી ખૂલ્યા નથી. જેથી લોકો પોતાના વાહનો લઈને બહાર પણ જઈ શક્તા નથી. અમરેલીમાં ૨૨૦ કેવીના અગણિત પોલ ભારે પવનથી તૂટ્યા છે. ત્યારે હજુ પણ ૪ દિવસ ઉના શહેર વીજળી વિહોણું રહેશે. મોરબી જિલ્લામાંથી વધુ ૧૦૦ વીજ કર્મચારીઓને વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લામાં મદદ માટે મોકલાયા છે. વીજ લાઇનોના રીપેરીંગ કામ માટે હાલમાં તમામને રાજુલા મોકલાયા છે. મોરબીથી આજે વધુ ૧૦૦ જેટલા વીજ કર્મીઓને રાજુલા તાલુકામાં મોકલાયા છે.

રાજુલા તાલુકામાં વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં વીજ લાઈનોમાં નુકસાન થયુ છે. રીપેરીંગ કામ માટે અગાઉ ૮૦ જેટલા કર્મચારીઓને અમરેલી જિલ્લામાં મોકલાયા હતા. સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાના કહેરમાં ૫૪૦૦ ગામોમાં વીજળી ગુલ થઈ હતી, જેને યુદ્ધના ધોરણે રીપેર કરવામાં આલી રહ્યાં છે. હાલ ૪૦૦૪ ગામોમાં વીજ પુરવઠો ફરી કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યારે કે, ૧૩૯૭ ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.

સૌરાષ્ટ્રમાં બંધ ૬૦૩૬ ફીડર પૈકી ૩૬૬૦ જેટલા ફીડરો શરૂ કરી આપવામાં આવ્યા છે. અતિ ભારે પવન અને વરસાદને કારણે કુલ ૭૬૯૮૭ પોલ ડેમેજ થયા છે. ડેમેજ પોલ પૈકી ૧૪૩૩ પોલ ઉભા કરાયા છે. હજી પણ ૭૫૫૫૪ પોલની મરામતનું કામ ચાલી રહ્યું છે. વાવાઝોડા દરમિયાન સૌથી વધુ નુકસાની પીજીવીસીએલ વિભાગને થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.