વાવાઝોડા વચ્ચે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાએ થથરાવ્યા
એક તરફ કોરોનાનો કહેર, બીજી તરફ વાવાઝોડું અને હવે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાએ લોકોને હચમચાવી દીધા
રાજકોટ: એક તરફ કોરોનાનો કહેર, બીજી તરફ તૌકતે વાવાઝોડું અને હવે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાએ લોકોને હચમચાવી દીધા છે. કુદરતી આફતો જાણે માણસને ડરાવી રહી હોય તેવો માહોલ સૌરાષ્ટ્ર પંથકમાં જાેવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે ૩.૩૭ વાગ્યે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંકચાની તિવ્રતા ૩.૮ નોંધાઈ છે અને ભૂંકપનું કેન્દ્ર બિન્દુ રાજકોટથી ૧૮૨ કિલોમીટર દક્ષિણમાં હોવાનું ભારતીય સિસ્મોલોજી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. એક તરફ વાવાઝોડાના કારણે દરિયાકિનારાની પટ્ટી પર રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી ચાલી રહી છે
ત્યારે આજે વહેલી સવારે આવેલા ભૂંકપના આંચકાએ લોકોને હચમચાવી દીધા છે. આ ભૂકંપની ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. ગુજરાત તરફ આગળ વધી રહેલું તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકિનારે પહોંચ્યું છે, બીજી તરફ ગુજરાતમાં પણ તેની અસર જાેવા મળી રહી છે, ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાઈ રહી છે.
બીજી તરફ વાવાઝોડાને પહોંચી વળવા માટેની વિવિધ તૈયારીઓ કરાઈ રહી છે, આવામાં સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં કરંટ જાેવા મળી રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પર તૌકતે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે તો બીજી તરફ ભૂંકપનું કેન્દ્ર બિન્દુ પણ દીવના દરિયા કિનારામાં ૧૦ કિલોમીટર ઊંડે નોંધાયું હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાત તરફ આગળ વધતું વાવાઝોડું આજે મોડી રાત્રે અથવા ૧૮મીની વહેલી સવારે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. વાવાઝોડું વેરાવળ કે દીવના દરિયાકિનારે ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી રહી છે.