વાવાઝોડોના પગલે વલસાડના ૮૪ ગામોમાં એલર્ટ જાહેર
વલસાડ પારડી અને ઉંમરગામ અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોના ફાયર ફાયટરોની ટીમો સ્ટેન્ડ બાય રખાઈ છે
વલસાડ: વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ પર છે. જિલ્લાના ૭૦ કિલોમીટરના દરિયા કિનારા પર આવેલા ૮૪ ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લાના અધિકારીઓની ટીમો દ્વારા સતત દરિયાકિનારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે. અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારથી જ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
વલસાડ પારડી અને ઉંમરગામ અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોના ફાયર ફાયટરોની ટીમો ને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. સાથે જ વલસાડ જિલ્લાના દરિયાકિનારા વિસ્તારમાં પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. દરિયા કિનારા વિસ્તારમાં જિલ્લામાં ૬૦૦થી વધુ પોલીસકર્મીઓ તૈનાત છે. સાથે જ દરિયા કિનારા વિસ્તારમાં પીઆઇ અને પી.એસ.આઈ સહિતના ૨૪ અધિકારીઓની ટીમ પણ અત્યારે નજર રાખી રહ્યા છે.
જિલ્લાની ૪૮ કોવીડ હોસ્પિટલોમાં પાવર બેક અપની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઈમરજન્સીમાં જરૂર પડે તો હોસ્પિટલોને વધારે સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવા પણ તંત્ર એ તાકીદ કરી છે. જિલ્લાના ૭૦ કિલોમીટર ના દરિયા કિનારે આવેલા ૮૪ ગામમાં ૧૨૫ શેલટર હોમ બનાવવામાં આવ્યા છે. જાેકે જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં આવેલા દસ ગામો જે દરિયાકિનારાથી એકદમ નજીક છે. એવા ગામોમાં સ્થળાંતરની જરૂરિયાત ઉભી થાય તેવી પરિસ્થિતિ છે. આથી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા માટેનું કહેવામાં આવી રહ્યું છે.
પરંતુ લોકોનો સહયોગ નથી મળી રહ્યો આથી લોકો ને સમજાવવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ માં તૈયાર કરવામાં આવેલા કંટ્રોલ રૂમની સાથે જિલ્લાના કલેક્ટર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સતત સંપર્કમાં છે અને જરૂરી માહિતી મેળવી રહ્યા છે તેમજ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કરી રહ્યા છે. આમ વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.