વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ અને BJPના સ્વરૂપજી ઠાકોર વચ્ચે ટક્કર
વાવ વિધાનસભા પેટા ચૂંટણી ના ભાજપના ઉમેદવાર શ્રી સ્વરુપજી ઠાકોર સાથે સૌ આગેવાનો નડેશ્વરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવ્યા.
વાવ, વાવ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોના નામને લઇને ખૂબ લાંબી રાહ જોવી પડી છે. છેલ્લી ઘડીએ બંને પક્ષોએ પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. કોંગ્રેસે વાવ બેઠકના ઉમેદવાર માટે ગુલાબસિંહ રાજપૂતનું નામ કર્યું હતું.
ત્યારબાદ હવે ભાજપે પણ પોતાના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરના નામ પર મહોર મારતાંની સાથે જ વાવ બેઠકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.
ભાજપ દ્વારા પહેલા ૯ લોકોને સુચના આપવામાં આવી હતી, મેન્ડેટ છેલ્લી ઘડીએ આપવાની વાત હતી. કોંગ્રેસની રણનિતિ પણ એવી જ હતી. પરંતુ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા ભાજપે સ્વરૂપજીને મેદાનમાં ઉતાર્યા તેથી બાકીના કોઈએ ફોર્મ ભરવાનું રહેતુ નથી. નારાજ લોકોને પણ મનાવી લેવાયા હોવાની ચર્ચા છે.
ઉલ્લેખનીય છે કે સ્વરૂપજી ઠાકોર ૨૦૨૨માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને ૧૫,૬૦૧ મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ૨૦૧૯માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને ૪૮,૬૩૪ મત મળ્યા હતા.
કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. ૨૦૧૯ માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત ૨૦ વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં ૨૬માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ ૨૪ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જો કે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે ૨૩ બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની ૨૬ બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે.