વાસણના વહેપારી પર હુમલો કરતા આસપાસના વહેપારીઓએ લુંટારૂને ઝડપી લીધો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસતંત્ર સતર્ક બનેલુ છે અને ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે જાકે નાગરિકો પણ આવી ઘટનાઓથી બચવા હિંમત દાખવી રહયા છે.
શહેરના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાસણનો ધંધો કરતા એક વહેપારીની દુકાનમાં ગઈકાલે મોડી સાંજે વાસણ ખરીદવાના બહાને આવેલા લુંટારુએ વેપારીના માથામાં હથોડી મારી લોહી લુહાણ કરી દીધા હતા આ દરમિયાનમાં અન્ય વહેપારીઓ આવી પહોંચતા લુંટારુને ઝડપી લીધો હતો અને વટવા જીઆઈડીસી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો પોલીસે લુંટારુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના જશોદાનગર પુનિતનગર નજીક આવેલા હરિકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્રકુમાર રૂપલાલ જૈન નામના ૪૭ વર્ષના વહેપારી રહે છે અને નજીકમાં જ આવેલા જયશ્રી શોપીંગ સેન્ટરમાં વાસણની દુકાન ધરાવે છે દુકાનમાં ગઈકાલે તેઓ હાજર હતા ત્યારે ૩૦ થી ૩પ વર્ષનો એક શખ્સ વાસણ ખરીદવાના બહાને આવ્યો હતો. રાજેન્દ્રકુમારે ગ્રાહકના સ્વાંગમાં આવેલા આ લુંટારુને વાસણ બતાવવા લાગ્યા હતાં આ દરમિયાનમાં આ લુંટારુએ એક વાસણ માંગતા રાજેન્દ્રકુમાર તે વાસણ લેવા માટે ઉભા થયા
ત્યારે અચાનક જ આ શખ્સ પણ ઉભો થયો હતો અને તેમની પાછળ આવી તેની પાસે રહેલી હથોડી રાજેન્દ્રકુમારના માથામાં મારી હતી જેના પરિણામે તેમને માથામાંથી લોહી નીકળવા લાગ્યુ હતું પરંતુ તેમણે હિંમત દાખવી લુંટારુનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની સાથે ઝપાઝપી થઈ હતી.
લોહી લુહાણ હાલતમાં રાજેન્દ્રકુમારે લુંટારુ સાથે ઝપાઝપી કરી બુમાબુમ કરી મુકતા આસપાસના દુકાનદારો દોડી આવ્યા હતાં બાજુમાં જ આવેલી દુકાનમાંથી કમલેશભાઈ વાઘેલા તથા પરેશભાઈ સહિતના વેપારીઓ દોડી આવતા તેઓએ વહેપારીને બચાવવા માટે વચ્ચે પડયા હતા અને લુંટારુને ઝડપી લઈ રાજેન્દ્રકુમારને બેસાડયા હતા. રાજેન્દ્રકુમારના માથામાંથી લોહી નીકળતુ હોવાથી શોપીંગ સેન્ટરની સામે જ આવેલી વિમળા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતાં
આ દરમિયાનમાં એકત્ર થયેલા વહેપારીઓએ તાત્કાલિક ૧૦૦ નંબર પર જાણ કરતા પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને વહેપારીઓએ આ લુંટારુને પોલીસને સોંપ્યો હતો પોલીસે પકડેલા લુંટારુનું નામ પુછતા તેણે પોતાનું નામ રવિ લક્ષ્મણ હોવાનું જણાવ્યું હતું અને તે પોતે વિંઝોલ ગામમાં વંદેમાતરમ્ એમ્પોરિયમ આયોજનનગર ખાતે રહે છે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ અંગે રાજેન્દ્રકુમારે ફરિયાદ નોંધાવતા વટવા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.