વાસણાના જર્જરીત ગણેશનગર રીડેવલપમેન્ટની પ્રક્રિયા આખરે શરૂ
(પ્રતિનિધિ) અમદાવાદ: કેટલાંક સમયથી શહેરમાં ખખડધજ ઈમારતો પડવાના બનાવો બનતા તંત્ર સાબદું થયું હતું અને કેટલાય મકાનો ખાલી કરાવી તેમને નવેસરથી બનાવવા કામગીરી શરૂ કરી છે. જયારે વાસણા વિસ્તારમાં આવેલા ગણેશનગરના ખખડી ગયેલા મકાનોના રહીશોએ વારંવાર રજુઆત કર્યા બાદ તંત્રએ તેમની વાત કાને ધરી હતી જાકે કોર્પોરેશનના જ બે વિભાગો વચ્ચે અંટસ પડતાં રીડેવલપમેન્ટ માટે ખોરવાયેલા કામની ઓનલાઈન ટેન્ડરની પ્રક્રીયા ફરી શરૂ કરવામાં આવી છે.
ગુલબાઈ ટેકરા વિસ્તારના વિસ્થાપિતોને વાસણા ખાતે ગણેશનગરમાં મકાનો ફાળવવામાં આવ્યા હતા. જાકે થોડાંક જ વર્ષોમાં આ મકાનોની હાલત જર્જરીત થઈ જતાં રહીશો ભયના ઓથાર હેઠળ જીવી રહયા હતા. બાદમાં તેમણે તંત્ર સમક્ષ રજુઆત કરતાં કોર્પોરેશન દ્વારા બનાવેલી કમીટીએ રીપેરીંગ કરવાના હોવાનો રીપોર્ટ આપ્યો હતો.
આ મકાનોને ભયજનક અને જર્જરીત ઘોષીત કરવામાં આવ્યા બાદ તેમને રીડેવલપ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ બે વિભાગોની મમતના કારણે કેટલાય સમયથી આ કાર્ય આગળ વધી શકયુ નહોતું. જેના પગલે ત્યાંના રહીશો પણ પરેશાન હતા
જાકે આધારભૂત સુત્રો મુજબ આ ગણેશનગરની રીડેવલપમેન્ટની પ્રક્રીયા ફરી શરૂ કરવામાં આવી છે અને ઓનલાઈન ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આગામી માર્ચ સુધીમાં તમામ રહીશોને તેનો લાભ મળશે એમ પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.