વાસણામાં જુગારધામ પર દરોડો ૪.૬૧ લાખની મત્તા સાથે નવની અટક

Files Photo
(પ્રતિનિધિ) અમદાવાદ: વાસણા પોલીસે બાતમીને આધારે કાર્યવાહી કરીને ગુપ્તાનગરમાં જુગારધામ પર દરોડો પાડયો હતો જયાંથી નવ જુગારીઓની અટક કરી સાડા ચાર લાખથી વધુની મત્તા જપ્ત કરી છે.
આ અંગેની વિગત એવી છે કે વાસણા પોલીસની ટીમને ગુપ્તાનગર પશાભાઈની ચાલીમાં રહેતી કૈલાશબેન કાનજીભાઈ ખુમાણ પોતાના ઘરે જુગાર રમાડતી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસની ટીમે બુધવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે દરોડો પાડતાં કૈલાશબેનના ઘરે જુગાર રમતા આઠ શખ્સો અને અડ્ડો ચલાવનાર મહીલા સુત્રધાર કૈલાશબેનને ઝડપી લીધા હતા. જુગારધામ પરથી પોલીસે ર.૯ર લાખની રોકડ, નવ મોબાઈલ ફોન, બે વાહન સહીત કુલ ચાર લાખ એકસઠ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો છે.