વાસણામાં સાસરિયાઓએ પરિણિતાને ફીનાઈલ પીવડાવ્યું

મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે ત્યારે શહેરના વાસણા વિસ્તારમાં એક પરિણિતાને સાસરિયાઓએ બળજબરીપૂર્વક ફિનાઈલ પીવડાવી દેતા તેને ગંભીર હાલતમાં એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અંગે સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના વાસણા ગુપ્તાનગરમાં રામકૃષ્ણ શેરીમાં સુરેશભાઈ આહીર પરિવારજનો સાથે રહે છે સુરેશભાઈની પત્નિ હંસા તથા બે પુત્રો દિપક અને વિજય અન્ય સભ્યો સાથે રહે છે ૧૬ વર્ષ પહેલા સુરેશભાઈ અને હંસાબહેનના લગ્ન થયા હતા છેલ્લા ઘણા સમયથી પતિ- પત્નિ વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડા થતા હતાં અને સુરેશભાઈ હંસાબહેન ઉપર ત્રાસ ગુજારતા હતાં છેલ્લા કેટલાક સમયથી સુરેશભાઈ તેમની પત્નિને ઘરમાંથી જતા રહેવાનું પણ કહેતા હતા જેના પરિણામે ઘરમાં વાતાવરણ સતત કંકાસ ભર્યું રહેતું હતું
તા.૯મીના રોજ બપોરના સમયે સુરેશભાઈના મોટાભાઈ તથા ભાભી ઘરે આવ્યા હતા અને મકાન ખાલી કરવાનુ કહયું હતું પરંતુ હંસાબહેને મકાન ખાલી કરવાની ના પાડી હતી અને ઘરમાં ઝઘડો થયો હતો. સાંજે ૬ વાગ્યે ઘરમાં બધા જ હાજર હતા ત્યારે સુરેશભાઈએ તેમની પત્નિ હંસાબહેનને રસોડામાં બોલાવી હતી અને ત્યાં તેને પકડી રાખતા સાસુ તથા જેઠે ફિનાઈલ પીવડાવી દીધું હતું.
આ ઘટના નિહાળતા જ હંસાબહેનના બંને પુત્રો ગભરાઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક તેમના મામાને ફોન કરતા હંસાબહેનના પિયરીયાઓ દોડી આવ્યા હતા અને ઘરમાં દ્રશ્ય જાતા તેઓ પણ ચોંકી ઉઠયા હતાં. હંસાબહેનને ફિનાઈલ પીવડાવી સાસરિયાઓ ભાગી છુટયા હતાં. ઘરે આવી પહોંચેલા હંસાબહેનના પિયરીયાઓએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને ગંભીર હાલતમાં તેમને એલ.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા આ અંગે સુરેશભાઈ આહિર (પતિ), સોનાબેન (સાસુ) અને સુરેશભાઈના મોટાભાઈ હરીભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા વાસણા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.