વાસણા અને બાપુનગરમાં તસ્કરો ત્રાટક્યા
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીનો આંતક વધી રહયો છે અને શહેરમાં રોજ ઘરફોડ ચોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા છતાં આરોપીઓને પકડવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ જતી હોવાથી તસ્કરોને મોકળુ મેદાન મળી ગયુ હોય તેવુ વાતાવરણ જાવા મળી રહયું છે.
બાપુનગરમાં પટારામાં મુકેલા રૂ.૭ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી વાસણામાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.૬ લાખ ઉપરાંતની મત્તા ચોરી કરી ફરાર |
શહેરના વાસણા વિસ્તારમાં એક બંધ મકાનનું તાળુ તોડી તસ્કરોએ ઘરમાંથી રૂ.૬.૧૪ લાખની મત્તા ચોરી કરી છે. જયારે બાપુનગરમાં પણ બંધ મકાનમાંથી રૂ.૭ લાખની કિમતની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાતા ઉચ્ચ્ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આ અંગેની વિગત એવી છે કે ચોરી અને લુંટફાટની ઘટનાઓ અટકાવવા માટે અમદાવાદ શહેરમાં પોલીસતંત્ર એલર્ટ હોવાનો દાવો કરવામાં આવી રહયો છે. શહેરમાં નાઈટ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહયું છે.
પરંતુ પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તે રીતે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહયા છે શહેરના વાસણા વિસ્તારમાં વાસણા બસ સ્ટેન્ડની સામે આવેલી વાસુકી સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ ભાવસાર નામનો યુવક બે દિવસ માટે પરિવાર સાથે બહાર ગયો હતો અને ઘરને તાળુ માર્યું હતું પરંતુ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજાનુ તાળુ તુટેલુ જાવા મળ્યુ હતું.
જેના પરિણામે તેઓ ગભરાયા હતા અને ઘરમાં તપાસ કરતા કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂ.રપ હજાર મળી કુલ રૂ.૬.૧૪ લાખની મત્તા ચોરી થયાનું માલુમ પડયું હતું.
રાજેન્દ્રભાઈએ આ અંગે વાસણા પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં આટલી મોટી રકમની ચોરી થયાની ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
વાસણા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. તપાસનીશ સબ ઈન્સ્પેકટર પી.એચ.જાડેજાએ ઘટના સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.
ઘરફોડ ચોરીનો અન્ય એક બનાવ બાપુનગર વિસ્તારમાં બન્યો છે બાપુનગર વિસ્તારમાં સ્ટાર હોસ્પિટલની સામે વાડીલાલ પાર્કમાં રહેતા જયેશભાઈ જૈનના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાં લોખંડના પટારામાં મુકેલા રૂ.૭ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતાં. જયેશભાઈએ આ અંગે બાપુનગર પોલીસને જાણ કરતા જ તાત્કાલિક પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી.
પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ વિસ્તારમાં મોડી રાત સુધી લોકોની ભારે અવરજવર રહેતી હોય છે તેમ છતાં તસ્કરો ખૂબ જ સીફટતાથી ચોરી કરીને ભાગી છુટતા સ્થાનિક નાગરિકો ગભરાઈ ગયા છે આ ઘટનાની તપાસ બાપુનગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર એમ.એમ. ગઢવી ચલાવી રહયા છે.