વાસણા પોલીસે વાહનચોરીના 29 ભેદ ઉકેલ્યા: 16 એક્ટિવા રિકવર કર્યા
ચોર એક્ટિવા ચોર્યા બાદ બેટરી કાઢી વેચતો હતો.
શહેરમાં ચોરીના ગુનાઓ વધી રહ્યા છે. ખાસ કરીને વાહન ચોરીને પગલે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે વાસણા પોલીસે બાતમીને આધારે એક ચોરને ઝડપી પાડીને 29 ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. જયારે 16 જેટલા એક્ટિવા રિકવર કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે વાસણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી એચ જાડેજાની ટીમને એક વાહનચોર અંગે બાતમી મળી હતી. જેને પગલે આયોજન નગર ચાર રસ્તા નજીક વોચ ગોઠવીને દોલતસિંહ ઉર્ફે હરિસિંહ સોલંકી ( જેપીની ચાલી, સાબરમતી) ને ઝડપી લીધો હતો. અને કડક પૂછપરછ કરતા આરોપીએ 29 વાહનચોરીના ગુનાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. બાદમાં બે દિવસ સુધી દોલતસિંહને સાથે રાખીને અલગ અલગ સ્થળો પરથી 16 એક્ટિવા રિકવર કર્યા હતા.
તપાસમાં તેણે હિતેશ જૈન (શાહીબાગ) નામના શખ્સ સાથે મળીને આ ગુના આચર્યાનું બહાર આવ્યું છે. જેને પગલે પોલીસે હિતેશની શોધ શરુ કરી છે. આ અંગે પીએસઆઇ જાડેજાએ જણાવ્યું હતું કે દોલતસિંહ ચોરી કર્યા બાદ એક્ટિવા રેઢા મૂકી દેતો હતો અને તેમાંથી બેટરી ચોરીને વેચી નાખતો હતો. ચોરીની બેટરી ખરીદનાર અંગે પણ તપાસ ચાલુ છે.