વાસણા બેરેજના આઠ દરવાજા ખોલાયા
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે અતિભારે વરસાદ પડતાં જ શહેરમાં ઠેરઠેર પાણી ભરાયેલા છે અમદાવાદ ઉપરાંત રાજયભરમાં ભારે વરસાદ પડી રહયો છે જેના પગલે તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની ઐતિહાસિક સપાટી નોંધાઈ છે અને ડેમના દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે નર્મદાના નીર રાજયોની નદીમાં ઠાલવવાની જાહેરાત કરી હતી અને તે મુજબ રાજયની અન્ય નદીઓમાં અને તળાવોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહયા છે. અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પણ નર્મદાના નીર ઠાલવવામાં આવતા વાસણા બેરેજના આઠ દરવાજા ત્રણ ફુટ સુધી ખોલી નાંખવામાં આવ્યા છે
જેના પગલે કિનારાના ગામડાઓને સાવચેતી રહેવા જણાવાયું છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી રિવરફ્રંટના કારણે સતત બે કાંઠે વહેતી જાવા મળી રહી છે પરંતુ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને રાજયભરમાં પડી રહેલા વરસાદના પગલે રાજયભરના જળાશયો અને ડેમોમાં પાણીની આવક થઈ રહી છે નર્મદા ડેમમાં સતત વધતી જતી સપાટીના પગલે તેમાંથી પાણી છોડવામાં આવી રહયું છે. નર્મદાનું પાણી સાબરમતીમાં પણ છોડવામાં આવ્યું છે જેના પગલે સાબરમતી નદીમાં પાણીની સપાટી સતત વધી રહી છે.
સિંચાઈ વિભાગના અધિકારીઓએ વાસણા બેરેજના આઠ દરવાજા ત્રણ ફુટ સુધી ખોલી નાંખી પાણી છોડવાનું શરૂ કર્યું છે. જાકે આ પાણીના કારણે જિલ્લાના કેટલાક ગામોને સતર્ક કરવામાં આવ્યા છે હજુ પણ પાણીની સપાટી વધશે તો ડેમના અન્ય દરવાજા પણ ખોલવામાં આવશે તેવુ જાણવા મળી રહયું છે.