વાહનચાલકોને નવો માર: વર્ષ ૨૦૦૬ પહેલાનાં વાહનો માટે હવે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત
અમદાવાદ, કેન્દ્ર સરકારે નવી સ્કેપ પોલિસી જાહેર કર્યા બાદ હવે ૧ એપ્રિલથી અમદાવાદ સહિત દેશભરમાં વાહનોની રી-પાસિંગ ફીમાં તોતિંગ વધારો કરાયો છે, જેના કારણે વાહનચાલકોને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના આર્થિક માર સાથે રી-પાસિંગનો આર્થિક બોઝ પણ વેઠવો પડશે.
વર્ષ ૨૦૦૬ પહેલાં નોંધાયેલા તમામ વાહનોએ એપ્રિલમાં રી-પાસિંગ કરાવવું પડશે. આગામી ૧ એપ્રિલથી અમલી થનારા આ નિયમ મુજબ બાઇક રી-પાસિંગ ફીમાં ૨૩૩ ટકા, કારમાં ૭૩૩ ટકા અને ટ્રકમાં ૯૪૦ ટકાનો વધારો ઝીંકાયો છે. અત્યાર સુધી બાઇક રી-પાસિંગ માટેની ફી રૂ.૩૦૦ વસૂલાતી હતી, જે હવેથી રૂ.૧૦૦૦ લેવાશે, જ્યારે કાર રી-પાસીંગની ફી અત્યાર સુધી રૂ.૬૦૦ લેવાતી હતી તે હવેથી રૂ.૫૦૦૦ લેવાશે.
જે વાહનનું પાસિંગ ૧૫ વર્ષે પૂરું થઇ જતું હશે અને વાહનચાલક રી-પાસિંગ કરાવવામાં વિલંબ કરશે તો તેણે પ્રતિદિન રૂ.૫૦નો દંડ ચૂકવવો પડશે તેવી પણ આ નિયમમાં જાેગવાઇ કરવામાં આવી છે. કોમર્શિયલ વાહનોનું દર બે વર્ષે અને ખાનગી વાહનોનું ૧૫ વર્ષે રી-પાસિંગ કરાવવાનું હોય છે. ટ્રકની રી-પાસિંગ ફી અત્યાર સુધી રૂ.૧૨૦૦ લેવાતી હતી, જે હવેથી રૂા.૧૨,૫૦૦ લેવાશે. શહેરમાં લાખોની સંખ્યામાં વાહનો આરટીઓમાં નોંધાયેલા છે, જેમાંથી અંદાજિત ૨૦ લાખથી વધુ વાહનો એવા છે, જે ૧૫ વર્ષ જૂના છે અને શહેરમાં ફરી રહ્યા છે.
ફિટનેસમાં પાસ થનારા વાહાનોને વધુ પાંચ વર્ષનું રી-પાસિંગ મળશે. ફિટનેસમાં ફેલ થનારા વાહનોને સ્ક્રેપમાં મોકલી દેવાના રહેશે. કેન્દ્ર સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા જૂના વાહનોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને રિન્યૂઅલ અંગે નવું નોટિફિકેશન બહાર પડાયુ છે, જે આગામી ૧ એપ્રિલ, ૨૦૨૨થી લાગુ થઇ રહ્યું છે.
ફિટનેસ ટેસ્ટ આરટીઓ કચેરીમાં થશે. વાહનોની આરસી બુક, વીમા પોલીસી, પીયુસી, કોમર્શિયલ વાહનોએ પરમિટના પુરાવા લઇ જવાના રહેશે. નવી સ્ક્રેપ પોલિસી મુજબ વાહનચાલકને નવું વાહન ખરીદ્યા બાદ બે વખત જ રી-પાસીંગ કરાવવાનો મોકો મળશે. ત્યારબાદ વાહનને સ્ક્રેપમાં મોકલી દેવાનું રહેશે.