વાહનચોરીનાં બે બનાવમાં ૩ શખ્સો પકડાયા
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેર ક્રાઈમ બ્રાચે અલગ અલગ બે બનાવોમાં પાંચ વાહનો સાથે કુલ ૩ શખ્સોને ઝડપી લીધાં છે.
પીઆઈ એનઆર બ્રહ્મભટ્ટની ટીમે બાતમીને આધારે અગાઉ ઘરફોડ અને વાહનચોરીમાં પકડાયેલાં મુન્નો કાંતિભાઈ ભરથરી (વંદે માતરમ બ્રીજ નીચે, રેન બસેરા આવાસમાં, સોલા) નામનાં ગુનેગારને એક ચોરીના એવિએટર સાથે ઝડપી લીધો હતો.
તેની પૂછપરછ કરતાં મકરબા રેલવે ફાટક નજીક આવેલી જાડીઓમાં થોડા થોડા અંતરે સંતાડેલા અન્ય ૨ ચોરેલાં એક્ટીવા પણ મળી આવ્યા હતા. ૧૯ વર્ષીય મુન્નો વિરૂદ્ધ શહેરનાં કેટલાંય પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલાં છે.
અગાઉ સગીરવયનો હતો ત્યારે તેને ખાનપુર બાદ મહેસાણાનાં રીમાન્ડ હોમમાં રાખ્યો હતો. જ્યાં ગાર્ડને ધક્કો મારી પરત અમદાવાદ આવી ફુટપાથ પર રહેતો હતો.
જ્યારે પીઆઈ ચાવડાની ટીમને બે ઈસમો ચોરીનાં બુલેટ સાથે નારોલ ટર્નીંગ પોઈન્ટ પર ઊભા હોવાની બાતમી મળતાં મૂળ રાજસ્થાનનાં અને હાલમાં નારોલ રહેતાં સુરેન્દ્ર બીજારણીયા અને વિકાસ મનોજ પારીકને ઝડપી લીધા હતા. પૂછપરછમાં ૨૨ સપ્ટેમ્બરની રાત્રે તેમણે પાડોશીનાં ઘરમાં પાણી માંગવાનાં બહાને બુલેટની ચાવી ચોરીને બુલેટ ચોર્યું હોવાનું કબુલ્યું હતું.