Western Times News

Gujarati News

વાહનોની કોઈ સુવિધા નહોતી ત્યારે આ ડોક્ટર ઘોડા પર ગામડાઓમાં જતાં અને દર્દીઓની સારવાર કરતાં

દીર્ઘ દ્રષ્ટા, સમાજ સેવક અને આજીવન સેવાના ભેખધારી સ્વ. ડૉ. એલ. પી. સવસાણી સાહેબને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

સમગ્ર માણાવદર પંથકમાં અડધી સદી ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ માટે સતત પ્રવૃત્ત રહેલાં સ્વ. ડૉ. એલ. પી. સવસાણી સાહેબની 91 વર્ષની વયે વિદાયથી આ પંથકે એક મૂક સમાજ સેવક ગુમાવ્યાનો વસવસો છે. તેમની વિદાયથી સમાજને ક્યારેય ન પૂરી શકનારી ખોટ હમેશ સાલશે.

જૂની પેઢીના કવચિત આ અંતિમ પાયાના પથ્થરે આપણી વચ્ચેથી તા. 28/04/2022 ના રોજ વિદાય લઈ પંચમહાભૂતમાં વિલીન થયા છે, ત્યારે આપણે સૌ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ.

ઇ.સ. 1930/31 માં જન્મેલા સવસાણી સાહેબે આઝાદી પહેલાંનો ખાસ્સો સમય પોતાની આંખે નિહાળેલો. પ્રાથમિક માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરી વધુ અભ્યાસ અર્થે તેઓ મુંબઈ ગયેલા. ડૉક્ટર બન્યા પછી આજીવન માણાવદર પંથક માટે સમર્પિત રહ્યા. માણાવદર શહેરની વચાળે ગાંધીચોકમાં તેમનું નિવાસ અને કર્મભૂમિ પણ ત્યાંજ.

જૂના સમયમાં માણાવદર ખાતે ડોકટરની પ્રેક્ટિસ કરતાં ડૉ. નરભેરામભાઈ જોશી બાદ એક માત્ર ડૉ. સવસાણી સાહેબ હતા. સાચા અર્થમાં સમાજ સેવાનો મક્કમ નિર્ધાર કરી સમાજના દરેક વર્ગો ખાસ કરીને ગરીબ ગુરબાઓની સારવારના તેઓ બેલી બન્યા.

એટલું જ નહીં માણાવદર પંથકના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એ સમયે તો વાહનોની કોઈ સુવિધા નહોતી ત્યારે તેઓ ઘોડેસવારી દ્વારા ગામડે પહોંચતા અને ત્યાં દર્દીઓની સારવાર કરતાં. તેમના ક્લિનિક પર આવેલ કોઈ પણ દર્દી સારવાર વગર ક્યારેય પરત ફર્યા હોય એવો કોઈ દાખલો નથી.

સ્વભાવે બિલકુલ શાંત અને સરળ, મિતભાષી એવા સવસાણી સાહેબની સેવાની સુગંધ જેમ જેમ પ્રસરવા લાગી તેમ તેમ તેમની સમાજ પ્રત્યેની સાચા અર્થમાં સેવા વધતી ગઈ.

સમાજના ઉત્કર્ષ માટે આરોગ્યની સાથે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે એ તથ્યને માત્ર સ્વીકારીને નહિ પણ તેમણે અમલમાં મૂકી બતાવ્યો. જેના પરિણામ સ્વરૂપે તેમના સઘન પ્રયત્નોથી માણાવદર ખાતે ઇસ. 1967 માં લાયન્સ ક્લબ માણાવદરની સ્થાપના થઇ.

જેના પાયાના પથ્થર તરીકે ડૉ. એલ. કે. પંચોલી સાહેબ, ડૉ. સવસાણી સાહેબ, ડૉ. વી.ડી. પટેલ, શ્રી નાનુભાઈ જસાણી તથા અન્ય સેવાભાવી લોકો હતાં. ત્યાર બાદ ડૉ. રોજીવાડિયા, ડૉ. પરીખ , ડૉ. તન્ના સાહેબ, ડૉ. પંકજભાઈ જોશી વગેરે અનુગામી તરીકે લાયન્સ ક્લબ માણાવદર સાથે ક્રમશઃ જોડાતાં ગયા. ઉપરાંત તુલસીદાસભાઈ , પ્રભુદાસભાઈ ગાથા જેવા નામી અનામી અસંખ્ય સેવાભાવી મિત્રોના સહકારથી આ સંસ્થા એક વટવૃક્ષ તરીકે વિકસતી ગઈ.

અહીંથી આરોગ્ય અને શિક્ષણની વિધિવત શરૂઆત થઈ. લાયન્સ ક્લબ માણાવદર દ્વારા થતી અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી સર્વ રોગ નિદાન કેમ્પ, મોતિયાના ઓપરેશન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ વગેરે કૅમ્પ નિયમિત રીતે યોજાવાની શરૂઆત થઈ, જે આજે પણ એ જ રીતે કાર્યરત છે.

છેલ્લા 55 વર્ષોમાં આશરે 500 થી વધુ કેમ્પો યોજીને ગામડે ગામડે સેવાની મહેક પ્રસરાવવાનું શ્રેય લાયન્સ ક્લબ માણાવદરને ફાળે જાય છે. ડૉ. સવસાણી સાહેબ આજીવન લાયન્સ ક્લબ માણાવદર સાથે સમર્પિત રહયા અને ડિસ્ટ્રીકટ ગવર્નર પણ બન્યા. અહીં વિશેષ ઉલ્લેખ એ કરી શકાય કે ડિસ્ટ્રીકટ ગવર્નરની પસંદગીમાં જે તે વર્ષે તેઓ બિનહરીફ ચૂંટાયેલા.

એ સમયે આંખના મોતિયાના ઓપરેશન માટે સરકારી હોસ્પિટલ માણાવદર ખાતે જ નિદાન થતું અને મોતિયાના ઓપરેશન પણ માણાવદર ખાતે જ થતાં. સ્વયં ડૉ. અર્ધવ્યુ સાહેબ અહીં ઓપરેશન માટે આવતાં. ત્યાર બાદ એક અઠવાડિયા સુધી દર્દીને હોસ્પિટલ સામે આવેલી જૂની કન્યાશાળા ખાતે રાખવામાં આવતાં.

ઓપરેશનથી લઈને સાત દિવસના રોકાણ સુધીનો એક પણ ખર્ચ દર્દીએ ચૂકવવાનો રહેતો નહિ. આ સમયગાળો એટલે 1975 થી 1980 નો. સમગ્ર કેમ્પના સુંદર અને સફળ સંચાલન માટે ડૉ. સવસાણી સાહેબ અને તેમની ટીમ સતત કાર્યરત રહેતી. આ પ્રકારના વિવિધ કેમ્પ થકી હજારો દર્દીઓએ વિના મૂલ્યે ઉત્કૃષ્ટ સારવાર મેળવી છે.

આરોગ્યની સાથે શિક્ષણના મહત્વને ચરિતાર્થ કરવા લાયન્સ ક્લબ માણાવદર દ્વારા પછીના વર્ષોમાં લાયન્સ સ્કૂલની સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં નાનું સંકુલ અને પ્રાથમિક ધોરણો અને ત્યાર બાદ આ સંસ્થા માણાવદર ખાતે પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધી વિકાસ પામી. માણાવદરની તાલુકા શાળા તથા સરકારી હાઈસ્કૂલને બાદ કરતાં તે સમયે અન્ય કોઈ પણ શાળાઓ આ પંથકમાં કાર્યરત નહોતી,

એ સમયે લાયન્સ સ્કૂલ દ્વારા ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવાની શરૂઆત થઈ, જે આજે પણ એ જ ઉત્સાહથી કાર્યરત છે. સ્વ. ડૉ. સવસાણી સાહેબ આજીવન લાયન્સ સ્કુલના સક્રિય ટ્રસ્ટી રહ્યા. એ સમયે કન્યા કેળવણીને ખાસ પ્રોત્સાહનની આવશ્યકતા હતી, ત્યારે બહેનો માટે લાયન્સ સ્કુલ માણાવદર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી. પરિણામ સ્વરૂપે અસંખ્ય બહેનોએ અહીંથી ઉચ્ચ માધ્યમિક સુધી વિના મૂલ્યે શિક્ષણ પ્રાપ્ત કર્યું.

અસંખ્ય વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ કર્યા બાદ ઉચ્ચ પદ સુધી પહોંચ્યા છે. સ્વ. ડૉ. સવસાણી સાહેબની દીર્ઘ દ્રષ્ટિ, મક્કમ નિર્ધાર અને અડગ નિશ્ચયથી સમગ્ર પંથકને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. લાયન્સ સ્કુલના દરેક કાર્યક્રમોમાં , રાષ્ટ્રીય પર્વો દરમિયાન ડૉ. સવસાણી સાહેબ નિયમિત રીતે બિનચૂક હાજરી આપતાં. દિવસનો મોટા ભાગનો સમય તેમના ક્લિનિક પર દર્દીઓને તપાસવામાં, કેમ્પના આયોજનમાં તેમજ શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ માટેના આયોજનમાં જ પસાર થતો.

આકાશવાણી રાજકોટ દ્વારા ડૉ. સવસાણી સાહેબના અસંખ્ય સંવાદોનું પ્રસારણ પણ થયેલું. આજીવન સેવાના આ ભેખધારીએ તેમનું સમગ્ર જીવન સમાજસેવાને અર્પણ કર્યું.

થોડાં સમયથી વધતી વયને કારણે તેઓ ક્લિનિક પર કે અન્ય કાર્યક્રમોમાં હાજરી આપી ન શક્યા, પરંતુ તેમના દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે થયેલા સફળ પ્રયાસોનું સમગ્ર માણાવદર પંથક આજીવન ઋણી રહેશે.  (તસવીર અહેવાલ -જીગ્નેશ પટેલ માણાવદર)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.