Western Times News

Gujarati News

વાહન અકસ્માતના પીડિતો માટે કેશલેસ પોલિસી બનાવો: સુપ્રીમ કોર્ટ

સરકારને ૧૪ માર્ચ સુધીમાં સ્કીમ તૈયાર કરવાનો આદેશ

કોર્ટે જણાવ્યું હતું કે, વ્યાખ્યામાં જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઇજા પછીનો એક કલાક સૌથી મહત્વનો હોય છે

નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદામાં કેન્દ્ર સરકારને વાહન અકસ્માતના પીડિતોની ‘ગોલ્ડન અવર’માં કેશલેસ મેડિકલ સારવાર માટે યોજના તૈયાર કરવા જણાવ્યું છે. કોર્ટે સરકારને ૧૪ માર્ચ સુધીમાં પોલિસી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. તેને લીધે નિર્ણાયક સમયમાં અકસ્માતના પીડિતોને જરૂરી મેડિકલ સારવારથી ઘણા લોકોના જીવ બચાવી શકાશે.

મોટર વ્હિકલ્સ એક્ટ, ૧૯૮૮ની કલમ ૨(૧૨-એ) હેઠળ ગોલ્ડન અવરની વ્યાખ્યા દર્શાવાઇ છે. જેમાં અકસ્માત પછીના મહત્વના એક કલાકમાં મૃત્યુ અટકાવવા એક કલાકના ગાળામાં પીડિતને અપાતી સારવારનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટના જજ અભય ઓકા અને ઓગસ્ટિન જ્યોર્જ મસિહે જણાવ્યું હતું કે, “અમે કેન્દ્ર સરકારને મોટર વ્હિકલ્સ એક્ટની કલમ ૧૬૨(૨) હેઠળ ૧૪ માર્ચ, ૨૦૨૫ સુધીમાં યોજના બનાવવાનો નિર્દેશ કરીએ છીએ. તેમાં વધુ મુદ્‌ત આપવામાં નહીં આવે.” સુપ્રીમ કોર્ટે ૨૧ માર્ચ પહેલાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એફિડેવિટ સાથે યોજનાની નકલ સુપરત કરવાનો આદેશ આપ્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે, “વ્યાખ્યામાં જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઇજા પછીનો એક કલાક સૌથી મહત્વનો હોય છે.

ઘણા કેસમાં આ ‘ગોલ્ડન અવર’માં મેડિકલ સારવાર ન અપાય તો ઇજાગ્રસ્ત વ્યક્તિ જીવ ગુમાવી શકે. સતત વધી રહેલા વાહન અકસ્માતને પગલે વર્તમાન માહોલમાં કલમ ૧૬૨ મહત્વની છે.” ચુકાદો લખનાર જજ ઓકાએ નિર્ણાયક સમયમાં તાત્કાલિક સારવારના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઘણી વખત નાણાકીય મુશ્કેલી કે પ્રક્રિયાના અવરોધોને કારણે અકસ્માતના પીડિતો જીવ ગુમાવે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની કલમ ૧૬૨ હેઠળ કેશલેસ સારવાર માટેની સ્કીમ તૈયાર કરી બંધારણની કલમ ૨૧ હેઠળ સંરક્ષણ આપવા જણાવ્યું હતું.

ચુકાદામાં જણાવ્યા અનુસાર “વાહન અકસ્માતમાં વ્યક્તિને ઇજા થાય ત્યારે પરિવારના સભ્યો તેની પાસે ન હોય એવું બને. જોકે, તેને ‘ગોલ્ડન અવર’માં મેડિકલ સારવાર મળવી જરૂરી છે. દરેક જિંદગી કીમતી હોવા છતાં ઘણા કારણોસર વ્યક્તિને આ નિર્ણાયક ગાળામાં સારવાર મળતી નથી.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.