વાહન ચોરાય તો ફરિયાદ કરો, નહીં તો પોલીસની પૂછપરછ માટે તૈયાર રહો

પ્રતિકાત્મક
અમદાવાદ, ગુનેગારો એટલા બધા સ્માર્ટ થઇ ગયા છે કે હવે તેમણએ પોતાના વાહનો પર ચોરી, લૂંટ અથવા તો કોઇ પણ ગુનાહિત કૃત્ય આચરવાનું બંધ કરી દીધું છે અને ચોરીના વાહનનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. થોડાક દિવસ પહેલા ઉસ્માનપુરા ખાતે આંગડિયા પેઢીના કર્મચારી પર થયેલા ફાયરિંગ વિથ લૂંટના કેસમાં ઝડપાયેલા ચાર લુંટારુઓએ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે બાઇક ચોરી કરીને તેનો ઉપયોગ લૂંટ કરવા માટે કર્યો હતો.
જાે તમારું વાહન ચોરાય તો તરત પોલીસ ફરિયાદ કરજાે, નહીં તો તમે ચોરી, લૂંટ, દારૂની ખેપ મારવા જેવા અનેક ગંભીર ગુનામાં ફસાઇ શકો છો. નવા વર્ષની શરૂઆતથી જ શહેરમાં ચોરી, લૂટના જે બનાવો બન્યા છે તેમાં લુંટારું ટોળકીઓએ ચોરીનાં વાહનોનો ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેથી જ્યારે પણ તમારું વાહન ચોરાય ત્યારે તરત જ પોલીસને જાણ કરી દેવી હિતાવહ છે.
શહેરમાં રોજબરોજ સંખ્યાબંધી વાહનોની ચોરી થાય છે. જેમાં કેટલીક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાતી નથી. જ્યારે કેટલીક ફરિયાદો મોડી નોંધાય છે. જેનો સીધો ફાયદો ચોરી કરનાર ગેંગ ઉઠાવે છે. નિર્દોષ લોકો પોલીસના સકંજામાં આવી જાય અને લૂંટારુઓ લૂંટેલો માલ લઇને નાસી જાય છે.
તે રીતનો પ્લાન ઘડીને ઉસ્માનપુરા ખાતે લૂંટનું આયોજન કરવામાં આવ્યું હતું. લૂંટારુઓએ પહેલા અમદાવાદમાં બે બાઇકની ચોરી કરી હતી અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટ થઇ ગયા બાદ આરોપીઓએ બે બાઇકોને બિનવારસી મૂકી દીધા હતા અને બાદમાં સરદારનગર પહોંચી ગયા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી.
ગત વર્ષે ઠક્કરબાપાનગર અને નિકોલની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ સિવાય ન્યુ રાણીપમાં ૪૫ લાખ રૂપિયાની ચોરી થઇ હતી. જેમાં ચોરેલા બાઇકનો ઉપયોગ થયો હતો. નિકોલ વિસ્તારના ઉમિયા ચોકમાં આવેલા વિરલ ગોલ્ડ પેલેસમાં લૂંટની ઘટના બની હતી.
જ્વેલર્સના માલિક પ્રકાશ મોદી દુકાન બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન ચાર લુંટારુઓ દુકાનમાં ઘુસી આવ્યા હતા અને લૂંટ ચલાવવાનું શરૂ કર્યું હતું. જાેકે, પ્રકાશ મોદીએ પ્રતિકાર કરતા લુંટારુઓએ તેને માર પણ માર્યો હતો. લુંટારા અંદાજે રૂપિયા ૨.૫ લાખની રોકડ તેમજ ૪ લાખની આસપાસના સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયા છે.
ઠક્કરબાપાનગર બ્રિજ પાસે આવેલ પાન મસાલાના હોલસેલ વેપારી ગાયત્રી ટ્રેડર્સમાં ૩.૦૦ વાગ્યાની આસપાસ લૂંટારાઓ આવ્યા હતા અને હિંદીમાં વેપારી પાસે રૂપિયાની માગણી કરી હતી. જાેકે વેપારી કાઉન્ટરમાંથી રૂપિયા કાઢીને ગણતરી કરી રહ્યો હતો તે દરમિયાન લૂંટારાઓ પૈસા ઝૂંટવીને ભાગ્યા હતા અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
લૂંટ કરવાની હોય ત્યારે પહેલાં ડુપ્લિકેટ ચાવીથી બાઇક ચોરે છે ઃ આ બંને લૂંટમાં ક્રાઇમ બ્રાંચની ટીે પાંચ આરોપીઓ ઝડપી પાડ્યા હતા જેમાં તેમણએ કબૂલાત કરી હતી કે બંને લૂંટમાં તેમણે ચોરીના બાઇકનો ઉપયોગ કર્યો છે. લૂંટ કરવાની હોય તે દિવસે બાઇકની ચોરી કરતા હતા અને લૂંટ થઇ ગયા બાદ બાઇકને બિનવારસી મૂકીને જતા રહેતા હતા.