વિકસતી જાતિના વિદ્યાર્થીની શિષ્યવૃતિ સહાયતા વધી ગઈ
વિદ્યાર્થીઓ અને કન્યાઓ માટે ભોજન બિલ, બૂટ મોજાની સહાયમાં વધારોઃ મફત સાયકલ માટે ૮૦ કરોડ અપાયા
અમદાવાદ, રાજયના બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ રૂ.૪૩૨૧ કરોડની જાગવાઇ કરવામાં આવી છે. નાણાંમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકસતી જાતિના અને અનુસૂચિત જાતિના અંદાજે ૩૮ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ ૯ અને ૧૦ માં અભ્યાસ કરતા અંદાજે સાત લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂ.૫૭૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
તો, અનુસૂચિત જાતિના ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૮ના કુમારો અને ધોરણ ૧ થી ૫ ની કન્યાઓને રૂ.૫૦૦ તથા ધોરણ ૬ થી ૮ની કન્યાઓને રૂ.૭૫૦ શિષ્યવૃતિ માટે તેમજ આ તમામ વિદ્યાર્થીઓને રૂ.૬૦૦ ગણવેશ સહાય આપવાની શરૂઆત કરવામાં આવશે, જે માટે રૂ.૧૩ કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના છાત્રાલયમાં રહેતા વિધાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂ.૧૨૦૦ સહાય આપવામાં આવે છે, તે વધારી હવે રૂ.૧૫૦૦ આપવામાં આવશે .
જે માટે રૂ ૨૧ કરોડની જોગવાઇક કરવામાં આવી છે. આ સાથે આદર્શ નિવાસી શાળાના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને બુટ મોજા પેટે આપવામાં આવતી સહાય રૂ.૨૦૦માં વધારો કરી હવે રૂ.૪૦૦ આપવામાં આવશે. ધોરણ ૯માં અભ્યાસ કરતી વિકસતી જાતિની અંદાજે ૧. ૬૦ લાખ કન્યાઓ અને અનુસૂચિત જાતિની ૨૨, ૫૦૦ કન્યાઓને વિના મૂલ્ય સાયકલ આપવા રૂ.૮૦ કરોડની જોગવાઇ કરાઇ છે.
તો, સમૂહ લગ્નોને પ્રોત્સાહન મળે તે માટે સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં છે . આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિની સંસ્થાઓને ૨૫ યુગલની મર્યાદામાં યુગલદીઠ રૂ ૨૦૦૦ તથા યુગલોને રૂ.૧૦,૦૦૦ આપવામાં આવે છે . તેના બદલે હવે સંસ્થાઓને યુગલદીઠ રૂ.૩૦૦૦ તથા યુગલોને રૂ.૧૨, ૦૦૦ સહાય આપવામાં આવશે.
જે માટે કુલ રૂ.૯ કરોડની જોગવાઇ કરાઇ છે. આ સિવાય ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત ૧૦૦૦ યુગલોને સહાય આપવા માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં, પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ અંતર્ગત વિકસતી જાતિના ૧૬, ૮૩૦ લાભાર્થીઓને તથા આંબેડકર આવાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના ૨૯૦૦ લાભાર્થીઓને મકાન બાંધવા પ્રતિ લાભાર્થી રૂ ૧ .૨૦ લાખ સુધીની સહાય આપવા રૂ.૧૪૨ કરોડની જોગવાઇ કરાઇ છે.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિકાસ માટે કાર્યરત કુલ ૮ નિગમોને રાજય સરકારના ફંડમાંથી સીધા ધિરાણ માટે લોન આપવા માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ થઇ છે. બોટાદ ખાતે આંબેડકર ભવન બાંધવા રૂ.૨ કરોડની જોગવાઈ કરાઇ છે. આ સિવાય, લઘુમતી સમુદાયના વિકાસ માટે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ , આરોગ્ય અને કૌશલ્ય વિકાસ માટે લઘુમતી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા રૂ ૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે.
આભાર – નિહારીકા રવિયા