વિકાસની ગુલબાંગો વચ્ચે રાજ્યમાં 3,83,840 બાળકો કુપોષિત
ગાંધીનગર, રાજ્યમાં સત્તારૂઢ રૂપાણી સરકાર વિકાસની માત્ર વાતો જ કરે છે. ગુજરાતમાં કુપોષણને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.આ આંકડા દ્વારા ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં સરકારનો ચોંકાવનારો ખુલાસો છે. જેમાં સામે આવ્યું કે, કુપોષિત બાળકોની સંખ્યા 3 ગણી વધી છે. આ આંકડાએ રૂપાણી સરકારને ઝટકો આપ્યો છે. રાજ્યમાં 6 મહિના પહેલા 1,42,142 કુપોષિત બાળકો હતા, જે હવે વધીને કુપોષિત બાળકો 3,83,840 થયા છે. તેથી હવે કુપોષિત બાળકોની સંખ્યામાં 2,41,698નો વધારો થયો છે.સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા કુપોષિત બાળકોમાં અગ્રેસર છે. કુપોષિત બાળકોની સંખ્યા 6,071 બાળકોથી વધી 28,265 થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કુપોષણની નાબુદી માટે પોષણ અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ યોજનાઓ ખુલ્લી મુકવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે સૌથી વધુ આર્થિક વૃદ્ધિદર ધરાવતા ગુજરાતમાં કુપોષણ દર પણ ઊંચો છે. ગુજરાતમાં લાખો બાળકો કુપોષણયુક્ત છે. જેમાં હજારો બાળકો ગંભીર રીતે કુપોષણનો શિકાર બનેલા છે. ત્યારે જો કુપોષણ નાબુદી માટે મોટા પ્રમાણમાં પ્રયાસો કરવામાં આવે તો 2030-35 સુધીમાં કુપોષણ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય તેમ છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા કુપોષણની નાબૂદી માટે ખર્ચવામાં આવે છે પરંતુ આંગણવાડીઓના બાળકો સુધી આ વિવિધ યોજનાઓના લાભ પહોંચતા નથી. જેથી ગામડા, જીલ્લા અને શહેરોના બાળકોમાં કુપોષમનું પ્રમાણ ઘટાડી શકાયું નથી.