Western Times News

Gujarati News

વિકાસ દુબેનો મિત્ર દયાશંકર પોલીસની પકડમાં, મોટો ઘટસ્ફોટ કર્યો

કાનપુર:  ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસ પર થયેલા હુમલા મામલે મોટો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી અને હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો મિત્ર દયાશંકર પોલીસની પકડમાં છે અને તેણે ખુલાસો કર્યો હતો કે પોલીસની રેડ પહેલા વિકાસ દુબેને કોઈ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે વિકાસને આ ફોન કોણે કર્યો હતો. ગઈ કાલે આ મામલે ચૌબેપુર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વિનય તિવારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે વિકાસ દુબેનું આખું ઘર તોડી પાડવામાં આવ્યું છે.

દયાશંકરે એમ પણ કહ્યું કે વિકાસ અને તેના મિત્રોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. વિકાસે જ ફોન કરીને બદમાશોને બોલાવ્યાં હતાં. વિકાસના ઘરે અનેક લોકો હાજર હતાં. જેમની પાસે ગેરકાયદેસર હથિયારો હતાં. આ જ હથિયારોથી પોલીસકર્મીઓ પર ફાયરિંગ થયું હતું. દયાશંકરે વધુમાં જણાવ્યું કે ગામની પાસે એક બગીચામાં ગેંગની બેઠક થતી હતી.

આ બાજુ પોલીસે મુખ્ય આરોપી વિકાસ દુબે પર ઈનામની રકમ વધારીને એક લાખ કરી દીધી છે. કાનપુર પોલીસે વારદાતમાં સામેલ અન્ય ૧૮ અપરાધીઓ પર ૨૫-૨૫ હજારનું ઈનામ રાખ્યું છે. હવે વિકાસ દુબેને રાજકીય આશ્રય આપનારા તેના આકાઓ ઉપર પણ સકંજો કસાશે. સીએમ યોગીએ વિકાસને સંરક્ષણ આપનારા નેતાઓ અને અધિકારીઓ વિશે માહિતી ભેગી કરવાના આદેશ આપ્યા છે. ગુપ્તચર વિભાગ વિકાસ દુબેના રાજકીય કનેક્શનની ભાળ મેળવશે. વિકાસ દુબેને રાજકીય સંરક્ષણ આપનારી તમામ પાર્ટીઓના નેતાઓ મંત્રીઓ અને અધિકારીઓના નામની યાદી તૈયાર થશે. વિકાસ દુબેના જે પણ નેતાઓ સાથે સંબંધ રહ્યાં છે તે તમામ વિગતો ગુપ્તચર વિભાગ ભેગી કરી રહ્યું છે.

અત્રે જણાવવાનું કે પોલીસનું માનવું છે કે ચૌબેપુર પોલીસ સ્ટેશનના વિનય તિવારીએ જ પોલીસ દ્વારા પડનારી રેડની માહિતી અપરાધી વિકાસ દુબેને આપી હતી. ત્યારબાદ તેણે યોજનાબદ્‌ધ રીતે પોલીસ ટીમ પર હુમલો કર્યો જેમાં ૮ પોલીસકર્મીઓ શહીદ થયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.