વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ભલે તૂટ્યો, પરંતુ ચંદ્રયાન-૨નું ઓર્બિટર કાર્યરત છે
નવી દિલ્હીઃ ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ચંદ્રયાન-૨ મિશન હઠળ વિક્રમ લેન્ડરને પહોંચાડીને ઈતિહાસ રચ્યો છે. જો કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના વૈજ્ઞાનિકોનો સંપર્ક ચંદ્રની સપાટીથી માત્ર ૨.૧ કિમી દૂર તૂટી ગયો. હવે વૈજ્ઞાનિકો તેના ડેટાનું વિશ્લેષણ કરી રહ્યાં છે. ભલે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ખોરવાઈ ગયો પરંતુ ચંદ્રની કક્ષામાં રહેલા ચંદ્રયાન-૨નું ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્રનો અભ્યાસ કરશે અને તેના રહસ્યો પરથી પડદો હટાવશે. તેનો ઉલ્લેખ પીએમ મોદીએ આજે પોતાના સંબોધનમાં પણ કર્યો. આ માટે તેમાં ખુબ જ શક્તિશાળી ઉપકરણ લાગેલા છે.
૧. ચંદ્રયાન-૨ ઓર્બિટર પાસે ચંદ્રની કક્ષાથી ચંદ્ર પર શોધ કરવા માટે ૮ ઉપકરણ રહેશે. તેમાં ચંદ્રનું ડિજિટલ મોડલ તૈયાર કરવા માટે ટેરેન મેપિંગ કેમેરા-૨ છે.
૨. ચંદ્રની સપાટી પર રહેલા તત્વોની તપાસ માટે તેમાં ચંદ્રયાન-૨ લાર્જ એરિયા સોફ્ટ એક્સ રે સ્પેક્ટ્રોમીટર (ક્લાસ) છે.
૩. ક્લાસને સોલર એક્સ રે સ્પેક્ટ્રમ ઈનપુટ ઉપલબ્ધ કરાવવા માટે સોલર એક્સ રે મોનીટર છે.
૪. ચંદ્ર પર પાણીની હાજરીની તપાસ કરવા માટે ત્યાં હાજર મિનરલ્સ પર શોધ માટે તેમાં ઈમેજિંગ આઈઆર સ્પેક્ટ્રોમીટર છે.
૫. ચંદ્રના ધ્રુવોનું મેપિંગ કરવા અને સપાટી તથા સપાટીની નીચે જામેલા બરફની જાણકારી મેળવવા માટે તેમા જુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક અપર્ચર રડાર છે.
૬. ચંદ્રની સપાટી ઉપર સંશોધન માટે તેમાં ચંદ્ર એટમોસફેયરિક કંપોઝિશન એક્સપ્લોરર-૨ છે. ૭. ઓર્બિટર હાઈ રેઝોલ્યુશન કેમેરા દ્વારા આ હાઈ રેસ્ટોપોગ્રાફી મેપિંગ કરાશે.
૮. ચંદ્રના વાતાવરણના નીચલા સ્તરની તપાસ કરવા માટે ડુઅલ ફ્રીક્વન્સી રેડિયો ઉપકરણ છે.