વિખ્યાત શાયર મુનવ્વર રાણાએ ફ્રાન્સના સાંપ્રદાયિક હુમલાને યોગ્ય ગણાવ્યો
નવી દિલ્હી, ફ્રાન્સમાં થયેલી નિર્દોષોની હત્યા મામલે પોતાનો અભિપ્રાય જણાવતાં પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાએ વિવાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ફ્રાન્સ હુમલામાં નિર્દોષોની હત્યા કરનારા હુમલાખોરોનો બચાવ કર્યો છે, અને એને યોગ્ય પણ ઠેરવ્યો છે. મુનવ્વર રાણાએ કહ્યું હતું કે મઝહબ માતા સમાન છે, જો કોઈ આપણાં માતા કે મઝહબનું ખરાબ કાર્ટૂન બનાવે છે કે અપશબ્દો બોલે છે તો તેની હત્યા કરવી ગુનો નથી.
નોંધનીય છે કે મુનવ્વર રાણાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન મોદીએ આજે ફ્રાન્સમાં હુમલાને સમર્થન આપનારાઓને નિશાન બનાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આતંકવાદ અને હિંસાથી ક્યારેય કોઈનું કલ્યાણ થયું નથી. પણ પ્રખ્યાત શાયર એટલે જ અટક્યા ન હતા, તેમણે મઝહબને માતૃભૂમિથી ઉપર ગણાવ્યો છે અને કહ્યું હતું કે ચીન સાથે આપણો સરહદી વિવાદ છે અને ફ્રાન્સ સાથે મઝહબનો છે.
આ ઉપરાંત મુનવ્વર રાણાએ અન્ય એક જાણીતા શાયર કુમાર વિશ્વાસને “થર્ડ ક્લાસ શાયર’ કહ્યા છે. તેમણે કુમાર વિશ્વાસને ત્રીજા દરજ્જાના શાયર જણાવતાં કહ્યું હતું કે કુમાર વિશ્વાસ ન તો સોનું છે ન તો ચાંદી છે, તે તો તાંબું છે, જે મંચ પર તુકબંધી (જોડકણા) કરે છે. ઉપરાંત મુનવ્વર રાણાએ વધુ ટિપ્પણી કરતાં ઉમેર્યું હતું કે કુમાર વિશ્વાસ શાયરીના અર્નબ ગોસ્વામી છે.