Western Times News

Gujarati News

રાજકોટના રામપરાના વિચરતી જાતિના ૬પ પરિવારોને મળ્યા પાકા આવાસ

વંચિત-વિચરતી વિમુકત જાતિઓ-છેવાડાના અંત્યોદય પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા સાકાર કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

રાજકોટ જિલ્લાના રામપરા-બેટીની ‘વગડામાંથી વ્હાલપની વસાહત’માં વિચરતી જાતિના ૬પ પરિવારોને મળ્યા પાકા આવાસો-કાયમી સરનામું

 મુખ્યમંત્રીશ્રીએ કરી આવાસોની ફાળવણી
 ૧૯ પ્લોટ ઘારકોને સનદ-૩૦૦થી વધુ લાભાર્થીઓને ૪૦ ચોરસ મીટરના પ્લોટનું વિતરણ

વિચરતી-વિમુકત જાતિના ર૪ હજાર ઉપરાંત લાભાર્થીઓને કુલ ૧૧૦ કરોડ રૂપિયા આવાસ બાંધકામ સહાય અત્યાર સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં ચુકવતી રાજ્ય સરકાર

-ઃ મુખ્યમંત્રીશ્રી :-

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરકારની કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં નાનામાં નાના-ગરીબ-વંચિત- છેવાડાના અંતરિયાળ વિસ્તારના લોકો રહ્યા છે

 વિકાસના ગ્રોથ એન્જિન ગુજરાતની વિકાસ ગતિને સૌના સાથ-સૌના સહકારથી વધુ તેજ ગતિએ આગળ દોડાવ્યું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી અને વિમુકત જાતિના લોકો સહિત વંચિત, છેવાડાના માનવી, અંત્યોદય પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતા સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવી નેમ વ્યક્ત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવી વિચરતી જાતિઓને પાણી, લાઇટ, રસ્તાની સુવિધા સાથે પાકા આવાસ, તેમના બાળકોને શિક્ષણ અને અન્ય માળખાકીય સુવિધા આપવામાં સરકાર સદાય તત્પર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના રામપરા બેટીમાં વિચરતી અને વિમુકત જાતિના ૬પ પરિવારોને ‘‘વગડામાંથી વ્હાલપની વસાહત’’ અંતર્ગત આવાસોની ફાળવણી કરી હતી.

રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૧૯ પ્લોટ ધારકોને સનદ વિતરણ અને ૩૦૦થી વધુ લાભાર્થીઓને ૪૦ ચોરસ મીટર જમીનના પ્લોટ આવાસ બાંધકામ માટે તેમણે અર્પણ કર્યા હતા. રાજ્ય સરકાર વિચરતી વિમુકત જાતિઓના ઘરવિહોણા લોકો સહિત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક પછાત વર્ગને મકાન બાંધકામ માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અન્વયે રૂ. ૧.ર૦ લાખની સહાય આપે છે.

રાજ્યમાં વિચરતી-વિમુકત જાતિના ર૪,૩પર લાભાર્થીઓને આવી આવાસ સહાયના કુલ ૧૧૦ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં ચુકવવામાં આવ્યા છે. રાજકોટમાં ‘‘વગડામાંથી વ્હાલપની વસાહત’’માં જે ૬પ આવાસો નિર્માણ થયા છે તેમાં પણ આવાસ દીઠ રૂ. ૧.ર૦ લાખની આવી સહાય આપવામાં આવેલી છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉજ્જવલા યોજના અન્વયે ર૯ જેટલા ગેસ સિલીન્ડર કિટ ઉપરાંત આટકોટ ખાતે પોલીસ માટે રૂ. ૬૪૮.૭૦ લાખના ખર્ચે નવનિર્મિત આવાસો તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ મવડી હેડ ક્વાર્ટર ખાતે રૂ. ૧૪૪૩.૬૦ લાખના ખર્ચે નિર્મિત આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

આ સાથે તેમણે રામપરા બેટી ખાતે સેનિટરી પેડનું વિતરણ કરતા વેન્ડિંગ મશીનનું લોકાર્પણ અને શુદ્ધ પાણી પૂરું પાડતા ૬૫૦ આર.ઓ. મશીનનું પણ લોકાર્પણ કર્યું હતું. રાજકોટ જિલ્લા પ્રભારી અને શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી આર.સી. મકવાણા, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરીયા તેમજ જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં સરકારની કોઇ પણ યોજનામાં નાનામાં નાના, ગરીબ, વંચિત, છેવાડાના અંતરિયાળ વિસ્તારોના લોકોને સરળતાથી લાભ પહોચાડવાનું આયોજન કેન્દ્રસ્થાને હોય છે.

ખાસ કરીને એવી જાતિઓ જેની પાસે પોતાનું કોઇ કાયમી આવાસ-રહેઠાણ નથી તેમને પાકું આવાસ મળે, તેમના બાળકો આવી આવાસ વસાહતોમાં રહિને સારું શિક્ષણ મેળવી શકે તેની શ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં રાજ્ય સરકારે સતત ચિંતા કરી છે

તેની પણ વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નાનામાં નાના માનવીને પાયાની સગવડો આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ ર૦૦૫ થી આવી આવાસોની અને વિનામૂલ્યે જમીન પ્લોટ ફાળવણી યોજના શરૂ કરાવેલી છે.

વિચરતી જાતિના લોકોને કોઇના ઓશિયાળા રહેવું ન પડે તે માટે આવાસ સાથે ગરિમા પણ આપી છે તેમણે આવા આવાસ ફાળવણી, સનદ વિતરણના કાર્યક્રમોને છેવાડાના માનવીની સુખ-સુવિધાની ખેવના કરતા અને તેમના માટે કંઇક કરી છૂટવાના આત્મસંતોષના કાર્યક્રમ ગણાવી રાજકોટ જિલ્લા વહિવટીતંત્રને આ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ગરીબ, વંચિત, શોષિત અને છેવાડાના વર્ગો પ્રત્યેની સેવા ભાવનાનું દ્રષ્ટાંત આપતાં કહ્યું કે, કોરોના મહામારીમાં કોઇ ગરીબને ભુખ્યા સુવું ન પડે તે માટે વિનામૂલ્યે અનાજ અને આરોગ્ય રક્ષા માટે વ્યાપક વેક્સિનેશન માટે તેમણે તંત્રને સતત પ્રેરિત કર્યુ હતું.

તેમણે શિક્ષણને રાજ્ય-રાષ્ટ્રના વિકાસનો પાયો ગણાવતાં એમ પણ ઉમેર્યુ કે, કાયમી આવાસ સુવિધા મળવાથી હવે વિચરતી જાતિના પરિવારોના સંતાનો પણ સ્થાયી શિક્ષણ મેળવી શકશે.

ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇની પ્રેરણાથી ગ્રોથ એન્જિન બન્યુ છે તેને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાના વ્યાપથી વધુ તેજ ગતિએ વિકાસ રાહે દોડાવવાની નેમ તેમણે દર્શાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આવાસ લાભાર્થીઓને સુખમય ભાવિની શુભેચ્છા આપતાં એમ પણ જણાવ્યું કે, શિક્ષણ માટે શાળા, આવાસ માટે સહાય વગેરે સગવડો આપવા માટે રાજ્ય સરકાર સદાય તેમની પડખે ઉભી છે.

શિક્ષણ મંત્રીશ્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ આજના કાર્યક્રમને સમાજોપયોગી અને સંવેદનાસભર ગણાવતા કહ્યું હતું કે, વ્યવસાયની કુશળતા ધરાવતા નાગરિકોને કાયમી સરનામું તથા જીવન જરૂરી સગવડો આપીને મુખ્યમંત્રીશ્રી વિચરતી જાતિના નાગરિકોના આશીર્વાદના અધિકારી બન્યા છે

તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સુવિધાનો લાભ લઈને વિચરતી જાતિના લોકો મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ શકશે. શિક્ષણ મંત્રીશ્રીએ એવી જાણકારી આપી હતી કે આવા પરિવારોના બાળકો-દિકરીઓના શિક્ષણ માટે ર૦૦ રૂમની હોસ્ટેલ બનાવવા પણ જિલ્લાતંત્રને મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી શ્રી આર. સી. મકવાણાએ વિચરતી જાતિના લોકો માટે રાજ્ય સરકારે આદરેલા વિકાસ યોજનાની વિગતો રજુ કરી હતી અને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ગરીબો અને વંચિતો માટે કરેલા વિકાસકામોની ટૂંકી વિગતો આપી હતી.

મંત્રીશ્રી મકવાણાએ વિચરતા સમુદાય સમર્થન મંચની પ્રવૃત્તિઓને સરાહના કરી હતી. જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ રાજકોટના મંત્રીશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રાજકોટના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

વિવિધ ગામોના સરપંચોએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. વિચરતા સમુદાયના અગ્રણી શ્રી અજયભાઈ સોરાણીએ મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાં રૂ. ૫૧૦૦૦નો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો. વી.એસ.એસ.એમ. સંસ્થાના અગ્રણી મિત્તલ પટેલે મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે પધાર્યા તે બદલ આ અત્યંત ખુશી સાથે તેમનો આભાર માન્યો હતો.

વિચરતી જાતિઓને વસાહત સાથે પાણી, વીજળી મળવાથી બદલ તેઓના જીવનમાં ખુબ મોટો બદલાવ આવી રહ્યો છે અને રાજ્ય સરકારની વિવિધ સહાય માટે તેઓ પાત્રતા ધરાવતા થયા છે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર વિભાગના રાજયમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી, સંસદસભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા તથા શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વેશ્રી કુંવરજીભાઇ બાવળીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા,

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરિયા, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, રેન્જ આઇ.જી. શ્રી સંદીપકુમાર, પોલીસ અધિક્ષક

શ્રી જયપાલસિંહ રાઠોડ, નગરપાલિકાના પ્રાથમિક નિયામક શ્રી ધીમંતકુમાર વ્યાસ, અધિક નિવાસી કલેકટરશ્રી કે.બી ઠક્કર, એડિશનલ કલેક્ટર શ્રી એન.એફ. ચૌધરી અને શ્રી એન. આર.ધાધલ, પ્રાંત અધિકારીઓ, અગ્રણીઓ શ્રી મનસુખભાઈ રામાણી, શ્રી નાગદાનભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં વિચરતી જાતિના લોકો જોડાયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.