વિજયનગરના નેલાઉ ગામે ૧૧ ફૂટ લાંબો અજગર ઝડપાયો
(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) ચોમાસાની સિઝન દરમ્યાન મહાકાય અજગરો મળી આવવાનો સીલસીલો જારી બનતા સીમ વિસ્તારોમાં ખેડુત પરિવારજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના નેલાઉ ગામે સીમ વિસ્તારમાં ખેડૂત મંગલાજી થાવરજી ચૌહાણના તેઓના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન ખેતરમાં ૧૧ ફૂટ લાંબો અજગર નજરે પડતા દોડધામ કરી મુકી હતી.સીમ વિસ્તારમાં અજગરને જાેવા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા.
વિજયનગર વન વિભાગને જાણ કરતા કર્મચારીઓ ઘટના સ્થળે તુરંત જ પહોંચી ગયા હતા.વન વિભાગના કર્મચારીઓ સી.એચ.ચૌધરી,એસ.પી.સોલંકી એ અજગર ને મહા મહેનત બાદ ઝડપી લીધો હતો. અજગરને વિજયનગર પાસે આવેલ પોળોના ધનધોર જંગલ વિસ્તારમાં સલામત રીતે સુરક્ષિત અવસ્થામાં છોડી મુકાયો હતો.નેલાઉ ગામના સીમ વિસ્તારમાં ખેતરોમાં ખેતી નું કામકાજ કરતા ખેડુતો,પશુ પાલકો અને શ્રમજીવીઓએ હાશકારો અનુભવ્યો હતો.