વિજયનગર પોળોના પ્રાકૃતિક ખોળે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કાયૅશાળાનો શુભારંભ
નેત્રામલી: સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની સાત દિવસની કાર્યશાળાનો રાજયકક્ષાનો શુભારંભ વડતાલ ખાતેથી રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યશાળા બાકીના તમામ જિલ્લામાં બાયસેગ દ્વારા સીધુ પ્રસારણ કરી ખેતી અંગે શિક્ષણ આપવામાં આવશે. જે અંતર્ગત સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાની પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનો શુભારંભ વિજયનગર તાલુકાના પોળો ટેન્ટ સીટી અભાપુર ખાતે સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી અધીકારી વી.કે.પટેલ અને અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધીકારી જે.આર.પટેલ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
આ અવસરે ખેતીવાડી અધીકારીશ્રી વી.કે. પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખેડૂતોની આવક બમણી કરવા અભિયાન આદર્યું છે. આ અભિયાનને સાકાર કરવા માટે જૈવિક, પ્રાકૃતિક કે પરંપરાગત ખેતીમાં ખર્ચ ઘટાડવો ખૂબ જરૂરી છે. રાસાયણિક ખાતર અને જતુંનાશક દવાના કારણે દિન પ્રતિ-દિન ખર્ચમાં વધારો થતો જાય છે. ખેતીમાં ખર્ચ ઘટે તોજ ફાયદો થાય છે. પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, ગ્લોબલ વોર્મિગમાં કઇ રીતે ખેતી કરીને વધુ ઉત્પાદન મેળવી શકાય તે બાબતોને આવરી લેવાશે, જેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.
આ અવસરે આત્મા પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી એચ.વી. પટેલે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનો હેતુ સમજાવી વિવિધ બાબતોની જાણકારી આપી હતી. આ અવસરે અરવલ્લી જીલ્લા ખેતીવાડી અધીકારીશ્રી જે.આર.પટેલ, નાયબ ખેતી નિયામક પી.બી. ખિસ્તરિયા, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એમ.ડી. પટેલ ખેતી સંલગ્ન વિવિધ વિભાગોના અધકિારીઓ/ કર્મચારીઓ તેમજ બંને જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.