વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે, શક્તિની આરાધનાના પર્વ અને વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રી પછી આવતું વિજયાદશમી પર્વ સમગ્ર ભારતમાં વિજયોત્સવ તરીકે ઉજવાય છે.
મુખ્યમંત્રીશ્રીએ વિજયાદશમીનું આ પર્વ રાષ્ટ્ર અને સમાજની એકતા તોડવા માંગતા પરિબળોને નાથીને સદભાવના-સમરસતા સૌહાર્દ, આપસી પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડી ‘રામરાજ્ય’ની અનૂભુતિ કરાવતું પર્વ બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિજયા દશમીના તહેવાર નિમિત્તે શસ્ત્રપૂજા પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિજયા દશમીના પર્વે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પરંપરાગત પ્રણાલી મુજબ શસ્ત્ર પૂજન મુખ્યમંત્રી સુરક્ષા વ્યવસ્થામાં સંકળાયેલા ૨૫૦ ઉપરાંત અધિકારીઓ જવાનોની ઉપસ્થિતિમાં કર્યું હતું.
શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલિબહેન રૂપાણી એ શસ્ત્ર પૂજન વિધિ કરી હતી
મુખ્યમંત્રી સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા રાજ્ય અનામત પોલીસ દળના આ કર્મીઓ એ પ્રધાનમંત્રીશ્રી ના સ્વચ્છ ભારત અભિયાનમાં પોતાના યોગદાન રૂપે સ્વૈચ્છિક ફાળા પેટે એકત્ર કરેલા ૫૧ હજાર રૂપિયા નો ચેક મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિ માટે મુખ્ય મંત્રીશ્રીને અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સુરક્ષાકર્મીઓ ના આ સામાજિક ઉત્તરદાયિત્વ ને બિરદાવ્યું હતું.
વિજયભાઈ રૂપાણીએ સુરક્ષા જવાનોને આ વેળાએ પ્રેરણા આપતા કહ્યું કે આસુરી શકિત પર દૈવી શકિતના અસત્ય પર સત્ય ના વિજયનું આ પર્વ છે. આજે રાવણ દહન કરીને સમાજમાં પ્રવર્તતા અનિષ્ટોનું સમયકાળ અનુસાર દહન કરવાની પરંપરા પણ સદીઓ થી ચાલતી આવી છે. પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન સમી ના વૃક્ષમાં છુપાવેલા શસ્ત્રો નું પૂજન કરી તેને પાછા મેળવેલા હતા તે પ્રસંગ પણ મુખ્યમંત્રીએ યાદ કર્યો હતો
વિજયભાઈ રૂપાણી એ આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ફ્રાંસ માં રાફેલ નું પૂજન કરી ને ભારત ને વિશ્વમાં મહાસત્તાઓ માં સ્થાન અપાવવા અને સુરક્ષા ના મામલામાં ભારત વિશ્વ ની સરખામણી એ અતિ સજજ છે તેવી પ્રતીતિ સૌને કરાવી છે તેનું પણ ગૌરવ સ્મરણ કર્યું હતું