વિજય દેશવાલ પૂનાવાલા ગ્રૂપે એક્વાયર કરેલી મેગ્મા ફિનકોર્પમાં ગ્રૂપ સીઇઓ તરીકે જોડાયા
મુંબઈ, વિજય દેશવાલ આજે પૂનાવાલ ગ્રૂપે એક્વાયર કરેલી મેગ્મા ફિનકોર્પ લિમિટેડમાં ગ્રૂપ સીઇઓ તરીકે જોડાયા છે. આ નવી ભૂમિકામાં તેઓ કંપનીના વીમા વ્યવસાયની સાથે ધિરાણ અને હાઉસિંગ ફાઇનાન્સ વ્યવસાય માટે જવાબદાર હશે. તેઓ પૂણે કોર્પોરેટ ઓફિસમાંથી કામ કરશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇઆઇએમએ)ના પોસ્ટ-ગ્રેજ્યુએટ વિજય દેશવાલ અનુભવી બેંકરે છે, જેઓ બે દાયકાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેમણે બેંકિંગ, કોર્પોરેટ ફાઇનાન્સ, આંતરરાષ્ટ્રીય વ્યવસાય અને ઓપરેશન એમ તમામ સેગમેન્ટમાં કામગીરી કરી છે. તેઓ ગ્રાહકને કેન્દ્રમાં રાખવાના અને નફાકારકતાના સંપૂર્ણ અભિગમ સાથે વ્યવસાયને વધારવાનો ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. અગાઉ વિજય આઇસીઆઇસીઆઈ બેંકમાં બિઝનેસ હેડ તરીકે ટેકનોલોજી અને ડિજિટલ પરિવર્તન પર કેન્દ્રિત 21મી સદીના અદ્યતન વ્યવસાયો સહિત ઝડપથી વૃદ્ધિ કરતા સર્વિસ સેક્ટરના બિઝનેસ માટે જવાબદાર હતા.
તેમણે છ વર્ષથી વધારે સમયગાળા સુધી વિવિધ એનબીએફસી સહિત સમગ્ર ભારતમાં નાણાકીય સંસ્થાઓનું સંચાલન કરીને વિવિધ એસેટ ક્લાસની અને આ વ્યવસાયોના ચક્રની બહોળી સમજણ મેળવી છે. તેઓ બેંકમાં કોર્પોરેટ ઇકોસિસ્ટમ માટે વિભાવના બનાવવા માટે અને લાયાબિલિટીની વ્યૂહરચના આગળ વધારવા માટે પણ જવાબદાર હતા. અગાઉ તેઓ પાંચ વર્ષ માટે આઇસીઆઇસીઆઈ બેંક માટે ડેટ સિન્ડિકેશન બિઝનેસના હેડ હતા તથા ડેટ કેપિટલ માર્કેટ્સનો તથા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી મોટું ફંડ ઊભું કરવાનો અનુભવ ધરાવે છે.
મેગ્મા ફિનકોર્પના મેનેજિંગ ડાયરેક્ટર અભય ભૂટડાએ કહ્યું હતું કે, “અમને વિજય દેશવાલને અમારી ટીમમાં સામેલ કરવાનો આનંદ છે. બેંકિંગ અને નાણાકીય સેવાઓના વિવિધ પાસાઓમાં તેમની વ્યાપક જાણકારી અને બહોળો અનુભવ પરિવર્તન લાવશે તથા પૂનાવાલા બ્રાન્ડ અંતર્ગત વૃદ્ધિના નવા તબક્કા તરફ દોરી જશે.”
આ નિમણૂક પર વિજય દેશવાલે કહ્યું હતું કે, “ભારતમાં નાણાકીય સેવા ક્ષેત્ર માટે પરિવર્તનકારક સમયગાળા દરમિયાન આ મોટી જવાબદારી મને સુપરત કરીને મારી ક્ષમતામાં વિશ્વાસ મૂકવા બદલ હું પૂનાવાલા ગ્રૂપનો આભારી છું. ગ્રૂપમાં જોડાવા બદલ હું ગર્વ અનુભવું છું. હું એના ગ્રાહકો માટે સેવા-સંચાલિત સંસ્થા ઊભી કરવા ટીમ સાથે કામ કરવા અને વિવિધ હિતધારકોને મૂલ્ય પ્રદાન કરવા આતુર છું.”
પૂનાવાલા ગ્રૂપે તાજેતરમાં એની હોલ્ડિંગ કંપની રાઇઝિંગ સન હોલ્ડિંગ્સ દ્વારા મે, 2021માં મેગ્મા ફિનકોર્પમાં 60 ટકા બહુમતી હિસ્સો ખરીદ્યો હતો.