વિજય માલ્યાને ઝટકો, જપ્ત સંપત્તિ વેચીને વસૂલી કરવા કોર્ટએ મંજૂરી આપી
લંડન, લંડનમાં રહેતા દેશના ભાગેડુ વિજય માલ્યા માટે 2020નો પ્રથમ દિવસ માઠા સમાચાર લઈને આવ્યો છે. જેમાં મુંબઈ સ્થિત સ્પેશિયલ PMLA કોર્ટે ભારતીય સ્ટેટ બેંક સહિત અન્ય બેંકોને વિજય માલ્યાની જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓ વેચીની દેવુ વસૂલવાની મંજૂરી આપી છે. આ સાથે જ જે બેંકો વિજય માલ્યાને રૂપિયા આપતી હતી, તે હવે ભાગેડુ માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકે છે. જો કે કોર્ટે આ નિર્ણય પર 18 જાન્યુઆરી સુધી સ્ટે લગાવ્યો છે. જેથી માલ્યા આ આદેશ વિરૂદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી શકે. આ દરમિયાન લંડનની કોર્ટમાં પણ આજ મહિને માલ્યાની પ્રત્યાર્પણ અંગે ચુકાદો આવવાનો છે.
આ અંગે વિજય માલ્યાના વકીલોએ સ્પેશિયલ PMLA કોર્ટમાં વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ અંગે ડેબ્ટ રિક્વરી ટ્રિબ્યૂનલ જ કોઈ નિર્ણય કરી શકે છે. સ્પેશિયલ કોર્ટમાં EDએ જણાવ્યું કે, તેમને આ વસૂલીથી કોઈ વાંધો નથી. આ વચ્ચે લંડનની કોર્ટે માલ્યા પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. લંડનની અદાલત જાન્યુઆરી 2020માં માલ્યા પર નિર્ણય આપી શકે છે.
જણાવી દઈએ કે, દેશ છોડીને લંડન ભાગી ગયેલા લિકરકિંગ વિજય માલ્યા પર બ્રિટનમાં બેંકોના 9000 કરોડ રુપિયાની લોન નહી ચૂકવવાનો કેસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત માલ્યા પર મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે. ભારતમાં બેંકો સાથે ઠગાઈના કેસમાં આરોપી વિજય માલ્યા માર્ચ 2016માં લંડન ફરાર થઈ ગયો હતો. વિજય માલ્યાને દેશમાં પરત લાવવા માટે કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ સતત પ્રયત્ન કરી રહી છે, છત્તાં આજ સુધી સફળતા નથી મળી.