વિજય રૂપાણીએ નૂતન વર્ષ નિમિત્તે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના દર્શન-પૂજન કર્યા
વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવત 2077ના નૂતનવર્ષ દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રીશ્રી ભદ્રકાળી મંદિર પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સૌ નાગરિક ભાઈ બહેનોને દિપાવલી અને નૂતન વર્ષની શુભકામના પાઠવતા કહ્યું કે, ગુજરાતની જનતા ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ પામે, ગુજરાત સલામત રહે, અમદાવાદ ધબકતું રહે, નવા વર્ષમાં કોરોનાનો સંક્રમણ કાળ સમાપ્ત થાય, લોકોનું આરોગ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે અને નવા વર્ષમાં ગુજરાત ખૂબ જ વિકાસ કરે તથા સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર ફળીભૂત બને તેવી પ્રાર્થના તેમણે કરી છે
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, તહેવારોમાં ખરીદી અને ઉજવણીને કારણે આવનારા દિવસોમાં કોરોના કેસની સંખ્યા વધવાની સંભાવના રહેલી છે ત્યારે રાજ્યનું આરોગ્ય માળખું સંપૂર્ણ સજજ છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ આ માટે સમીક્ષા બેઠક આજે યોજવાના છે. અમદાવાદની મેડીસિટી-સિવિલ હોસ્પિટલ ખાતેની કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલને ફરીથી કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં તબદીલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ રાજ્યના તમામ જિલ્લાઓ અને ગ્રામ્ય કક્ષાની હોસ્પિટલોની પણ સજ્જતા સુનિશ્ચિત કરવામાં આવી છે. તહેવારો પર આરોગ્ય કર્મીઓની રજા પણ રદ કરવામાં આવી છે. સંક્રમીતોને પૂરતી સારવાર મળી રહે તેની ચિંતા રાજ્ય સરકારે કરી છે તેમ તેઓએ ઉમેર્યુ હતું.
આ વેળાએ અમદાવાદના મેયર શ્રીમતી બિજલ બહેન પટેલ સહિતના અગ્રણીઓ સંગઠન પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા અને અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓને પણ સાલમુબારક પાઠવી અભિવાદન ઝીલ્યું હતું.