વિજાપુરમાં ખત્રીકુવા જૂનીકોર્ટ રોડ ગટરો ઉભરાતા વેપારીઓએ બંધ પાળ્યો
વિજાપુર, વિજાપુરમાં ખત્રીકુવા જુનીકોર્ટના જવાના માર્ગે ગટરોનું ગંદુ પાણી ઉભરાઈને બહાર આવતા લોકોમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો છે. જેને લઈને જુનીકોર્ટના તમામ વેપારીઓએ બજાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો.
વેપારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ગટરોનું પાણી ઉભરાઈને બહાર આવે છે જેના નિકાલ માટે પાલિકામાંના સભ્યો તેમજ ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેનો નિકાલ આવ્યો નથી.
ભૂગર્ભ ગટરોની લાઈન નાંખવાના સમયે ગટરો ન ઉભરાય તે માટે તે સમયે ગટર, પાણી પુરવઠા વિભાગ તેમજ નગરપાલિકાને રજૂઆત બાદ ગટરની લાઈનો નાંખવામાં આવી તે સમયના ચીફ ઓફિસર જયેશ પટેલે ભૂગર્ભ ગટરનો વેરો પણ નાંખી દીધો હતો. અમો અમારા વિસ્તારમાં જાગૃત નાગરિક તરીકે પાલિકા વેરાઓ પણ ચુકતે કરીએ છીએ તેમ છતાંય પાલિકા દ્વારા સફાઈમાં મીંડુ છે.
શહેર આ એક જ વિસ્તારનો પ્રશ્ન નથી. શહેરમાં અશરફી ચોક, વૈદ્યનો માઢ, ચક્કર દોશીવાડા, કસાઈવાડા સહિતના વિસ્તારોમાં ભારે ગંદકી ફેલાઈ છે.આ બાબતે ચીફ ઓફિસર મંટીલ પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ખત્રીકુવા વિસ્તાર ચોકમાં ગટરનું પાણી અંદરના મહોલ્લાની ગટરમાંથી વહેતું આવ્યું છે. જે ગટરમાં ક્ચરો બહાર કાઢતા પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે.