Western Times News

Gujarati News

વિદેશથી આવતા મુસાફરોની સારવાર માટે અમદાવાદ મ્યુ. કોર્પો.એ 10 હોસ્પિટલ સાથે કરાર કર્યાં

વાસણાના યુવાને હોમ કવોરેન્ટીન નિયમનો ભંગ કરતા પોલીસ ફરીયાદ કરવામાં આવી

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાના નવા વેરીએન્ટ “ઓમિક્રોન”ના કેસમાં સતત થઈ રહેલા વધારાના કારણે દેશ અને વિશ્વમાં ત્રીજી લહેરની શકયતા વ્યકત થઈ રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ઓમિક્રોન વાયરસને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર અને રાજય સરકાર તરફથી સતત આદેશો કરવામાં આવી રહયા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહયા છે. તેમજ “એર રીસ્ક” દેશોમાંથી આવતા મુસાફરો અને શંકાસ્પદ દર્દીઓ માટે ટેસ્ટીંગ, એમ્બ્યુલન્સ, કવોરેન્ટીન તેમજ સારવાર માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ માટે પ૦ મશીન-લેબ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં “એર રીસ્ક” ૧ર દેશોમાંથી આવતા તમામ મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહયો છે.

જયારે તે સિવાયના દેશોમાંથી આવતા પેસેન્જરના રેન્ડમ બે થી ત્રણ ટકા ટેસ્ટ થાય છે. “એર રીસ્ક” દેશોમાંથી આવતા પેસેન્જરનો રીપોર્ટ નેગેટીવ આવે તો પણ તેમને સાત દિવસ માટે “હોમ કવોરેન્ટીન” કરવામાં આવી રહયા છે. આઠમા દિવસે આરટી પીસીઆર ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ જ તેમને બહાર હરવા- ફરવાની છુટછાટ આપવામાં આવે છે.

કવોરેન્ટીન સમયગાળા દરમ્યાન જે તે નાગરીક પર પોલીસ અને મનપાના કર્મચારીઓ સતત વોચ રાખે છે. વાસણાના એક યુવાને કવોરેન્ટીન નિયમનો ભંગ કરતા તેમની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી છે. “એર રીસ્ક” દેશમાંથી આવતા પેસેન્જરની કવોરેન્ટીન સુવિધા માટે ત્રણ ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે.

જયારે પોઝીટીવ દર્દીઓની સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તદ્‌પરાંત દસ ખાનગી હોસ્પિટલો સાથે પણ એમઓયુ કર્યા છે જેમાં અર્થવ હોસ્પિટલ (આંબાવાડી), સાલ હોસ્પિટલ (થલતેજ), સીમ્સ હોસ્પિટલ (સોલા), સનરાઈઝ હોસ્પિટલ (નરોડા), કાનબા હોસ્પિટલ (નિકોલ), યોગી મહારાજ હોસ્પિટલ (શાહીબાગ), એચ.સી.જી. હોસ્પિટલ (મીઠાખળી) વગેરેનો સમાવેશ થાય છે.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર “એર રીસ્ક” દેશોમાંથી આવતા મુસાફરો માટે ટેસ્ટીંગની સાથે એમ્બ્યુલન્સની પણ સુવિધા તૈયાર રાખવામાં આવી છે. જયારે અમદાવાદ શહેરમાં ૩ર સ્થળે વેકસીન અને ટેસ્ટીંગ માટે ડીઓસ્ક ઉભા કરવામાં આવ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર “એર રીસ્ક” દેશોમાંથી પ૦૦ મુસાફર આવ્યા છે, જે પૈકી હાલ ર૦૦ કરતા વધુ મુસાફરોને હોમ કવોરેન્ટીન કરવામાં આવ્યા છે. ભાવનગરના દંપતીના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સેટેલાઈટની હોટેલ સ્ટાફના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જે નેગેટીવ હોવાના અહેવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.