વિદેશથી આવતુ ફંડિંગ શંકાના ઘેરામાં, ખેડૂત નેતાની NIA પૂછપરછ કરશે
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીએ ખેડૂત આગેવાનની પૂછપરછ શરુ કરતા ચકચાર મચી છે.
મળતી વિગતો પ્રમાણે એનઆઈએ દ્વારા ઈન્સાફ વેલફેર સોસાયટીના અધ્યક્ષ બલદેવસિંહ સિરસાને આંદોલનને મળી રહેલા ફંડિંગ અંગે પૂછપરછ કરવા માટે બોલાવ્યા છે.સિરસા ખેડૂત આંદોલનમાં સરકાર સાથે વાટાઘાટો કરવામાં સામેલ નેતા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે 17 જાન્યુઆરીએ સિરસાની પૂછપરછ કરવામાં આવશે.ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની તત્વો દ્વારા ફંડિંગ કરાતુ હોવાની ગુપ્તચર એજન્સીઓને આશંકા છે અને આવી સંસ્થાઓનુ એક લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યુ છે.ખાસ કરીને વિદેશથી ફંડ મેળવી રહેલી સંસ્થાઓની તપાસ કવામાં આવી રહી છે.તાજેતરમાં જ બ્રિટન, કેનેડા અને અમેરિકામાં ખાલિસ્તાની સમર્થકોએ ખેડૂત આંદોલનને લઈને દેખાવો કર્યા હતા.
મળતી વિગતો પ્રમાણે ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં તપાસ એજન્સીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં સિખ ફોર જસ્ટિસ, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ખાલિસ્તાન ટાઈગર ફોર્સ જેવી સંસ્થાઓ પર ગાળિયો કસવાનો નિર્ણય લેવાયો હતો અને તેમના દ્વારા કોઈ ફંડિંગ થતુ હોય તો તેના તાર શોધવા માટેનો પ્લાન નક્કી કરાયો હતો.