વિદેશથી આવેલાં ફોન ઊપાડતાં જ વેપારીનાં ખાતામાંથી ૩૯ લાખ ઉઠી ગયા

વેપારી સાથે ૩૯ લાખ રૂપિયાની ઠગાઈ
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેર સાયબર ક્રાઈમ પોલીસનાં ચોપડે એક ચોંકાવનારી ફરીયાદ નોંધાઈ છે. જેમાં વેપારીએ તેમનાં મોબાઈલ પર વિદેશથી આવેલાં ફોન રીસીવ કર્યા બાદ તેમનાં ખાતામાંથી કુલ ૩૯.૫૧ લાખ રૂપિયા ઊઠી ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે નિકુંજભાઈ પંચાલ સીટીએમ ખાતે રહે છે અને રખિયાલમાં સ્પેરપાર્ટસ મેન્યુફેક્ચરીંગ ફેક્ટરી ધરાવે છે. ગત શનિવારે તેમનાં ફોનમાંથી ઈનકમીંગ-આઉટગોઈંગ બંધ થતાં તેમણે સીમકાર્ડ નવું ખરીદ્યું હતું. બાદમાં તેમને ફ્રાન્સ તથા અમેરિકાનાં નંબર પરથી ફોન આવ્યા હતા.
જે રીસીવ કરતાં તુરંત ફોન કટ થઈ ગયા હતા. ત્યારબાદ તેમના ખાતામાંથી રૂપિયા કપાવાનાં મેસેજ આવવાનાં શરૂ થઈ ગયા હતા. અને ટુકડે ટુકડે નવ ટ્રાન્ઝેક્શનમાં કુલ ૩૯.૫૧ લાખ રૂપિયા ઊડી ગયા હતા. બાદમાં તેમણે બેંકમાં સંપર્ક કરી ખાતા સ્થગિત કરાવી દીધા હતા અને બાદમાં સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી.