વિદેશમાંથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા વાયુસેનાની મદદ લેવાશે
નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે. આ બધા વચ્ચે વિદેશથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે હવે વાયુ સેનાની તૈનાતી કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ અન્ય દેશોમાંથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે કેન્દ્ર સરકાર વાયુ સેનાની મદદ લઈ શકે છે. સરકાર વિદેશથી કન્ટેનર્સ લાવવા માટે ભારતીય વાયુ સેનાના ઉપયોગનો વિકલ્પ શોધી રહી છે. આ સંજાેગોમાં દેશમાં ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા કન્ટેનર્સ લાવવા વાયુ સેનાનો ઉપયોગ થઈ શકે છે.
જાણવા મળ્યા મુજબ ઓક્સિજન ઉપલબ્ધ છે પરંતુ તેને લઈ જવા માટે વપરાતા કન્ટેનર્સની તંગીના કારણે ટ્રાન્સપોર્ટેશન એક મોટી સમસ્યા છે. આ સંજાેગોમાં વાયુ સેનાની મદદથી કન્ટેનર્સને વિદેશથી લાવવામાં આવશે. ભારતીય વાયુ સેનાએ કોરોના સંકટ દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાંથી ઓક્સિજન કન્ટેનર, સિલિન્ડર, દવા, હેલ્થ ઉપકરણ વગેરેના સપ્લાયમાં મદદ કરી છે. દિલ્હીના કોવિડ કેન્દ્રો માટે બેંગલુરૂથી ડીઆરડીઓના ઓક્સિજન કન્ટેનર્સને પણ એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ડીઆરડીઓ પણ હોસ્પિટલ વગેરેના નિર્માણમાં સહયોગ આપી રહ્યું છે. દિલ્હીમાં ઓક્સિજનની ભારે માંગ છે અને અનેક હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી દેખાઈ રહી છે. હાલ કેન્દ્રએ દિલ્હી માટે ઓક્સિજનનો ક્વોટા વધારી દીધો છે.