વિદેશમાં ફાર્માસીસ્ટને ડૉક્ટર જેવો દરજ્જો મળે તો ભારતમાં કેમ નહિઃ પંકજ પટેલ
ગુજરાત ફાર્મસી કાઉન્સિલના રિફ્રેશર કોર્સમાં 400થી વધુ ફાર્માસીસ્ટોને ફાર્માક્ષેત્રની લેટેસ્ટ જાણકારી અપાઈ
અમદાવાદઃ વિદેશમાં ફાર્માસીસ્ટોને ડૉક્ટર જેવો દરજ્જો મળે તો ભારતમાં કેમ નહિ એવો સવાલ ઝાયડસ ગ્રુપના માલિક પંકજ પટેલે ઉઠાવ્યો હતો. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી આયોજીત રીફ્રેશર કોર્સના ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. પંકજ પટેલે જણાવ્યું હતું કે વિદેશમાં ફાર્માસિસ્ટને ડૉક્ટરની જેમ ગણીને આદર આપવામાં આવે છે તો ભારતમાં કેમ નહિ? પણ આવો દરજ્જો મળે તેના માટે ફાર્માસીસ્ટોએ દવાઓના લેટેસ્ટ જ્ઞાન અને ડોઝ વિશે જાણકારી જેવી બાબતોથી સુસજ્જ થવું પડશે. ટેકનોલોજી પ્રગતિના પંથે ઝડપથી હરણફાળ ભરી રહી છે ત્યારે આપણે અપડેટ નહિ થઈએ તો સ્પર્ધામાંથી ફેંકાઈ જઈશું. હંમેશા અવનવું શિખતા રહો.
સિવીલ હૉસ્પિટલના અસ્મિતા ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે એવી માહિતી આપી હતી કે હવે ફાર્માસીસ્ટોની ભૂમિકા બદલાઈ રહી છે. એક જમાનામાં ડૉક્ટર ચિઠ્ઠીમાં લખી આપે તે પ્રમાણે દવાની પડીકીઓ બનાવી આપવી કે બાટલીમાં પ્રવાહી દવા ભરી આપતા. હવે દવાઓના રેડીમેઈડ પેકેટોના ડિસ્પેન્સીંગનો જમાનો આવ્યો છે. સદાકાળ દર્દીઓના ભલાનો વિચાર કરતા રહેશો તો તમને સારૂં કામ કર્યાનો આત્મસંતોષ પણ મળશે.
આપણે આરોગ્ય વિજ્ઞાનની પ્રગતિ સાથે બીમારીઓને વધુ સમજતા થયા છીએ. હવે તો વ્યક્તિગત અલગ અલગ સારવારનો યુગ આવ્યો છે. રંગસૂત્રો આધારિત જીન થેરાપીના ઉપયોગથી પર્સનલાઈઝ દવાઓ વિકસાવવામાં આવી રહી છે. તેનું મૂલ્ય કરોડો રૂપિયામાં હોય છે. ભવિષ્યમાં દર્દીઓ ડૉક્ટરને મળ્યા પછી ફાર્માસીસ્ટ તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવે એવી આશા રાખશે. આ બાબતને ધ્યાનમાં રાખીને કાઉન્સિલે એવું ટેકનોલોજી પ્લેટફોર્મ વિકસાવવું જોઈએ કે જેનાથી દવાઓની તમામ જાણકારી આસાનીથી ઉપલબ્ધ બને, એવું સૂચન પણ તેમણે કર્યું હતું. રિફ્રેશર કોર્સના કાર્યક્રમમાં 400 ફાર્માસીસ્ટોએ ભાગ લીધો હતો.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સદસ્ય ડૉ. સી એન પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી છેલ્લા પાંચ વર્ષમાં રિફ્રેશર કોર્સ અંતર્ગત 40 હજારથી વધુ ફાર્માસીસ્ટોને તાલીમ આપવામાં આવી છે. તેની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે. ફાર્માસીસ્ટોને દવા ઉદ્યોગના લેટેસ્ટ પ્રવાહોથી વાકેફ કરવાના આ કાર્યમાં અનેક ફાર્મસી કૉલેજો પણ સારો સાથસહકાર આપી રહી છે. તે ઉપરાંત દવાઓ વિશે જાણકારી આપવા કાઉન્સિલ દ્વારા ડ્રગ ઈન્ફોર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નવી નવી દવાઓ વિશે જાણકારી પૂરી પાડવામાં આવે છે.
ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ મોન્ટુકુમાર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ઝાયડસ ગ્રુપના સ્થાપક રમણભાઈ પટેલે કાઉન્સિલના વિકાસમાં સિંહફાળો આપ્યો હતો અને તેની સ્થાપનાથી માંડીને વિકાસ સુધી 22 વર્ષ અથાગ પ્રયાસો કર્યા હતા. હવે તેમની બીજી પેઢી પંકજભાઈએ આપણને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. તેમના પરિવાર તરફથી ભવિષ્યમાં પણ આવો સહયોગ મળતો રહે એવી અપેક્ષા છે. કાઉન્સિલની ઑફિસે કોઈપણ વ્યક્તિ કામસર આવે તો તેમનું કાર્ય શક્ય હોય તો 30 મિનીટમાં થઈ જાય એવી યોજના વિચારાઈ રહી છે.
કાઉન્સિલના પ્રયાસોથી ફાર્માસીસ્ટને ગ્રેડ પેમાં પણ ફાયદો મળતો થઈ જશે. ઈ-ફાર્મસીના સૂચિત ડ્રાફ્ટમાં અમુક વાંધાવિરોધ હતા તે બાબતે પ્રો-એક્ટીવ થઈને રજૂઆત કરવામાં આવી છે અને હવે અન્ય રાજ્યોની કાઉન્સિલો સાથે મળીને વધુ એક બેઠક યોજાય તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. કાર્યક્રમમાં સિવીલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.એમ.એમ.પ્રભાકર, કાઉન્સિલના ખજાનચી હિતેશ ભુરીયા, ગુજરાત ડ્રગીસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિયેશનના ચેરમેન જશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડૉ. પંકજ પટેલના હસ્તે કાઉન્સિલના નવા શરૂ કરવામાં આવી રહેલા ન્યૂઝલેટર -ફાર્માઝેસ્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. બીજા સત્રમાં ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનના સિનીયર ઈન્સ્પેક્ટર અને પાલનપુરના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ડૉ. મનોજ ગઢવી, ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનના સિનીયર ઈન્સ્પેક્ટર અને સુરેન્દ્રનગરના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ડૉ. જયેશ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર વિજયકુમાર પરમાર, બી.જે મેડિકલ કૉલેજ-અમદાવાદના પ્રોફેસર અને ફાર્મકોલોજી વિભાગના વડા ડૉ. ચેતના દેસાઈ અને ભાવનગરની શાંતિલાલ શાહ ફાર્મસી કૉલેજના પ્રોફેસર ડૉ. પ્રકાશ શાહે વિવિધ વિષયો અંગે ફાર્માસીસ્ટોને માર્ગદર્શન આપ્યું હતું. કાઉન્સિલના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર નિકેતા પટેલે આભારવિધિ કરી હતી.
બીજા દિવસે આરોગ્ય વિભાગના અતિરીક્ત સચિવ વી.જી.વણઝારા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા. તેમણે ફાર્માસીસ્ટોના રજીસ્ટ્રેશન તથા રિન્યુઅલ ઓનલાઈન કરીને ગુજરાત ફાર્મસી કાઉન્સિલની કામગીરી ડિજીટલ બનાવવાના આગેકદમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કાઉન્સિલ તરફથી ફાર્માસીસ્ટોના રજીસ્ટ્રેશન અને રિન્યુઅલની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે અને ફી ઓનલાઈન ભરવાથી રસીદ તેમના સરનામે પહોંચી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. રિન્યુઅલ માટે કાઉન્સિલના કર્મચારીઓ અને અધિકારીઓ વિવિધ જીલ્લાઓમાં જઈને કેમ્પ પણ કરે છે.
બીજી બાજુ સરકાર તરફથી ગુણવત્તાસભર તબીબી સેવાઓને સામાન્ય જનતાને પરવડે એવી બનાવવાની દિશામાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેને સર્વત્ર પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આવા સંજોગોમાં ભવિષ્યમાં ફાર્માસીસ્ટોની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. બીજા સત્રમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના ડીન ડૉ.બી.એન.સુહાગીયા અને તે જ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. સંજય ચૌહાણ તથા અસારવા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.