વિદેશમાં રહેલા પંજાબી ગેંગસ્ટર્સની ISI અને ખાલિસ્તાની સંગઠનો મદદ કરે છે
ચંદીગઢ, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને ખાલિસ્તાનના સમર્થકો વિદેશમાં બેઠેલા પંજાબી ગેંગસ્ટર સાથે મળી કાવતરા ઘડી રહ્યા છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળેલી જાણકારીમાં આ વાતનો ખુલાસો થયો છે.
ગુપ્તચર માહિતી અનુસાર પંજાબમાં હાલ એક ડઝનથી વધુ ગેંગ સક્રિય છે, જેમાંથી લગભગ અડધો ડઝન જેટલી ગેંગ વિદેશથી ઓપરેટ થઇ રહી છે અને આ ગેંગના સભ્યોને મદદ કરવા માટે પાકિસ્તાનની આઇએસઆઇ કામ કરી રહી છે.
ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી મુજબ, વિદેશથી ચાલતી ગેંગના સભ્યોને આઈએસઆઈ ડ્રોન દ્વારા હથિયારો અને હવાલા દ્વારા પૈસા પૂરા પાડે છે. છેલ્લા ચાર મહિનામાં ભારતે પંજાબમાં પાકિસ્તાન સાથેની સરહદ પર અડધો ડઝનથી વધુ ડ્રોન તોડી પાડ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રોનને પાકિસ્તાન તરફથી ભારતીય સરહદ પર મોકલવામાં આવ્યા હતા.
ગુપ્તચર રિપોર્ટ અનુસાર પંજાબ પોલીસ અને અન્ય સુરક્ષા દળોને અન્ય દેશોમાં બેઠેલા છ ખાલિસ્તાની આતંકીઓના નામ શેર કરવામાં આવ્યા છે. તેમાંથી ત્રણ અમેરિકા, જર્મની અને કેનેડામાં છે, જ્યારે ૨ પાકિસ્તાનમાં અને ૧ બેલ્જિયમમાં છે. તે બધા ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે.
પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકી સંગઠન અને આઈએસઆઈની મદદથી પંજાબના ગુંડાઓને પણ વિદેશોમાં આશરો આપવામાં આવી રહ્યો છે અને તેમની મદદથી રાજ્યમાં નાર્કોટેરિઝમ (ડ્રગ ટેરર) ફેલાવવામાં આવી રહ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડ્રગ્સ સાથે ગ્રેનેડ પંજાબી ગેંગસ્ટરને મફતમાં આપવામાં આવે છે. ગ્રેનેડ બ્લાસ્ટ કરવાના બદલામાં તેમને પિસ્તોલ અને ડ્રગ્સનો જથ્થો મળે છે. પઠાણકોટ ગ્રેનેડ બ્લાસ્ટમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં આ વાતની પુષ્ટિ થઈ છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પંજાબમાં કરોડો રૂપિયાની ડ્રગ્સની દાણચોરીમાં છ બોમ્બ બ્લાસ્ટ, ટાર્ગેટ કિલિંગ અને દાણચોરો, ગુંડાઓ અને આતંકવાદીઓની સાંઠગાંઠની વાતો સામે આવી છે. ફિરોઝપુર, મોગા અને બરનાલાના ગુંડાઓને ખાલિસ્તાન ટાઇગર ફોર્સના વડા હરદીપસિંહ નિજ્જર દ્વારા કેનેડામાં આશ્રય આપવામાં આવ્યો હતો.
પંજાબમાં સ્થાનિક ગેંગને મદદ કરનાર આઈએસઆઈ સમર્થિત અગ્રણી ખાલિસ્તાની આતંકીઓનું નામ સામે આવ્યું છે, તસ્કરો સાથે સંકલન સાધવાનું કામ ગુરમીતસિંહ બગ્ગાનું છે.
લખબીર સિંહ રોડે પાકિસ્તાનમાં છે, તેનું કામ ડ્રગ્સ અને હથિયારો મોકલવાનું છે. એવું કહેવામાં આવે છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબમાં મળી આવેલા ટિફિન બોમ્બ રોડે દ્વારા મોકલવામાં આવ્યા હતા. કેનેડામાં રહેતા હરદીપસિંહ નિજ્જર પંજાબમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવા માટે ભંડોળ પૂરું પાડવાનું કામ કરે છે. પંજાબમાં થયેલા ૩ આતંકી હુમલાની તપાસમાં નિજ્જરનું નામ સામે આવ્યું છે.HS1MS