Western Times News

Gujarati News

વિદેશમાં લગ્નનું આયોજન કરતાં પહેલાં મહેમાનોના નામ અને પાન નંબર આપવા પડશે

વિદેશમાં લગ્ન સમયે ઘણા મોટા બિઝનેસમેન ટેક્સ અને RBIનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આવકવેરા કાયદા હેઠળ, વિભાગને ન સમજાય તેવા ખર્ચની તપાસ કરવાનો અધિકાર છે. લોકો ક્યારેક મોટા લગ્નોમાં ખર્ચવામાં આવેલા પૈસાનો રેકોર્ડ રાખતા નથી. 

લગ્નમાં પૈસા ઉડાવનારાઓ પર ઈનકમ ટેક્સ વિભાગની નજર-જયપુરથી દરોડાની શરૂઆતઃ છેલ્લા એક વર્ષમાં દેશમાં લગ્નના આયોજન પાછળ ૭૫૦૦ કરોડનો ખર્ચ કરાયો હતો, જેનો કોઈ હિસાબ નથી-જયપુરમાં આશરે ૨૦ ટોપ વેડિંગ પ્લાનર્સના ત્યાં આઈટીના દરોડા પડ્યા હતાં.

(એજન્સી)નવી દિલ્હી, ભારતીયો લગ્નની સિઝનમાં ધૂમ ખર્ચો કરે છે. પરંતુ ખર્ચા કરતી વખતે ધ્યાન રાખજો, નહીં તો વધુ પડતા ખર્ચના બદલામાં ઈનકમ ટેક્સ વિભાગના સકંજામાં ફસાઈ શકો છો. ભારતીયો લગ્ન માટે પોતાની જીવનભરની મૂડી ખર્ચી નાખે છે. ઘણા લગ્નોમાં બોલિવૂડ સ્ટારથી માંડી પ્રસિદ્ધ કલાકાર, ડેસ્ટિનેશન વેડિંગ સહિતના આયોજનો થાય છે. ઈનકમ ટેક્સ વિભાગ પણ આવા લેવિશ લકઝરી લગ્નો પર ચાંપતી નજર રાખે છે. હાલમાં જ જયપુરમાં આશરે ૨૦ ટોપ વેડિંગ પ્લાનર્સના ત્યાં આઈટીના દરોડા પડ્યા હતાં.

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષમાં દેશમાં લગ્નના આયોજન પાછળ 7500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેનો કોઈ હિસાબ નથી. વાસ્તવમાં દેશના અમીર લોકો ભવ્ય લગ્નો કરે છે. જેનો ફાયદો કૌભાંડીઓ અને કરચોરી કરનારાઓ પણ ઉઠાવીને પોતાના કાળા નાણાંને સફેદ કરી રહ્યા છે. લગ્નો પર ખર્ચ કરવામાં આવતાં ૫૦ થી ૬૦ ટકા ખર્ચ વેડિંગ પ્લાનર્સ દ્વારા થતાં હોવાની જાણ થતાં આઈટી દરોડામાં મુખ્યત્વે વેડિંગ પ્લાનર્સ પર નજર રાખવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વિદેશમાં યોજાયેલા લગ્નોમાં ખર્ચવામાં આવેલા નાણાંની પણ તપાસ કરવામાં આવશે. આ લગ્નોમાં મહેમાનો અને સ્ટાર્સને ચાર્ટર્ડ પ્લેનમાં વિદેશ લઈ જવામાં આવે છે. ટેક્સ વિભાગ સત્તાવાર રીતે મહેમાનોની સંખ્યા અને ઇવેન્ટની શૈલી સાથે ખર્ચવામાં આવેલી રકમની તુલના કરશે. આ અંગે કેટરિંગ કંપનીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

વિદેશમાં લગ્ન સમયે ઘણા મોટા બિઝનેસમેન ટેક્સ અને RBIનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આવકવેરા કાયદા હેઠળ, વિભાગને ન સમજાય તેવા ખર્ચની તપાસ કરવાનો અધિકાર છે. લોકો ક્યારેક મોટા લગ્નોમાં ખર્ચવામાં આવેલા પૈસાનો રેકોર્ડ રાખતા નથી.

વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા નાણાં રિઝર્વ બેન્કની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમની મર્યાદા કરતાં વધી જાય, તો વિદેશમાં થતા આવા લગ્ન પણ RBIના ધ્યાન પર આવી શકે છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ કામમાં જયપુરના વેડિંગ પ્લાનર્સ સૌથી આગળ છે.

ઈનકમ ટેક્સ અધિકારીએ જણાવ્યું હતું કે, જાણવા મળ્યું છે કે જે લોકો ખૂબ જ ભવ્ય લગ્નનું આયોજન કરવા માગે છે તેઓ તેમના શહેરના મોટા ઈવેન્ટ પ્લાનર્સનો સંપર્ક કરે છે. ત્યારબાદ આ આયોજકો રાજસ્થાનના ઈવેન્ટ પ્લાનર્સનો સંપર્ક કરે છે. રાજસ્થાનના ઈવેન્ટ પ્લાનર્સ હોટલ, ટેન્ટ હાઉસ, કેટરિંગ કંપનીઓ, ફૂલની દુકાનો અને સેલિબ્રિટી મેનેજરના ખર્ચ સગવડતા મુજબ રોકડમાં કરે છે. જેથી તેનો કોઈ હિસાબ રહેતો નથી. સામાન્ય ખર્ચાઓ જ ચેક અને બન્કિંગ દ્વારા ચૂકવે છે.

આવા વ્યવહારોને સમર્થન આપવા માટેના કેટલાક નકલી બિલોએ તપાસ માટે પ્રારંભિક સંકેતો આપ્યા હતા. આ ઓપરેટરો વેડિંગ પ્લાનર્સ પાસેથી મેળવેલી રોકડના બદલામાં હોટલ અને કેટરિંગ કંપનીઓને બિલ આપે છે. આ બિલો ય્જી્‌ નંબર ધરાવતી સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ એસ બનવટ એન્ડ એસોસિએટ્‌સ એલએલપીના પાર્ટનર સિદ્ધાર્થ બનવટે જણાવ્યું હતું કે, ટેક્સ વિભાગ વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી એકઠી કરીને કરચોરી અટકાવવા કામ કરી રહ્યું છે. હવે માત્ર મોટા ઉદ્યોગપતિઓની જ તપાસ થઈ રહી નથી. તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે. વિદેશમાં લગ્ન કરવામાં ઘણી સમસ્યાઓ છે. વાસ્તવમાં, વિદેશી વિનિમય સંબંધિત કડક નિયમો છે.

થોડા મહિના પહેલા વિદેશમાં એક ગ્રુપ માટે હોટેલ બુકિંગ માટે પૈસા મોકલતી વખતે એક ખાનગી બેન્કે દુલ્હનના પિતા પાસે દરેક મહેમાનનું નામ અને પાન નંબર માંગ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.