વિદેશમાં સેટલ થવા ના પાડનાર મહિલાને પતિએ કાઢી મૂકી
અમદાવાદ, વિદેશમાં જવા માટે ઘણાં ગુજરાતીઓ વલખા મારતા હોય છે ત્યારે વિદેશનું સપનું જાેઈને કેટલાક ત્યાં સ્થાઈ થયેલા ભારતીયો સાથે લગ્ન કરીને પોતાનું સપનું પૂરું કરવાના પ્રયાસ કરતા હોય છે. પરંતુ ઘણાં કિસ્સામાં વિદેશમાં લગ્ન કર્યા બાદ ભારે દુઃખ વેઠવાનો વારો આવતો હોય છે.
આનાથી ઉલ્ટો કિસ્સો અમદાવાદમાં બન્યો છે, જેમાં ૨૯ વર્ષની શાહ-એ-આલમની મહિલાએ પૂર્વના મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ કિસ્સામાં મહિલાએ અમેરિકા કે કેનેડામાં સેટલ થવાનો ઈનકાર કરતા પતિએ પરિણીતાને તરછોડી દીધી છે.
મહિલા પાલડીમાં આવેલી એક કંપનીમાં એચઆર મેનેજર તરીકે નોકરી કરે છે, પોતાની ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે તેણે ૪ ફેબ્રુઆરી ૨૦૧૮માં મુંબઈના યુવક સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન પછી પરિણીતા અમદાવાદથી પતિની નોકરી મુંબઈમાં મીરા રોડ પર હોવાથી તે વસઈ રહેવા ગઈ હતી. લગ્ન પછી પતિ પત્નીને લઈને દુબઈ ગયો હતો, જ્યાં બન્ને ચાર મહિના જેટલું રહ્યા હતા. ૧૦ ઓક્ટોબર ૨૦૧૯માં પરિણીતાએ મુંબઈમાં પહેલા બાળકને જન્મ આપ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૦માં પતિએ પત્નીને અમેરિકામાં સેટલ થવા માટે કહ્યું હતું, જાેકે, બાળકની ઉંમર માત્ર ત્રણ મહિના હોવાથી તેણે પતિ સાથે અમેરિકા જવાનો ઈનકાર કર્યો હતો.
આ સાંભળીને પતિએ પત્નીને ત્રાસ આપવાનું શરુ કર્યું હતું, જ્યારે પરિણીતા પોતાનો બચાવ કરવા જાય ત્યારે પતિ તેના પર હાથ પણ ઉપાડતો હતો. લગ્ન જીવનમાં ત્રાસ વધતા પરિણીતાએ પતિનું ઘર છોડી દીધું હતું, બાદમાં ઘરના વડીલોની સમજાવટથી તે ફરી પતિની જાેડે રહેવા માટે ગઈ હતી.
મહિલાએ જણાવ્યું છે કે તેણે આ પછી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧માં બીજા બાળકને જન્મ આપ્યો હતો. માર્ચ ૨૦૨૧માં પતિએ પત્નીને કેનેડામાં સેટલ થવા માટે કહ્યું હતું પરંતુ આ દરમિયાન પણ પરિણીતાએ આમ કરવાનો ઈનકાર કરી દીધો હતો. અહીં પતિએ ફરીથી પરિણીતાને ત્રાસ આપવાનો શરુ કર્યો હતો અને તેને ઘરની બહાર ફેંકી દીધી હતી, જાેકે તેને પોતાના બાળકો સાથે લઈ જવાની ના પાડી દીધી હતી.
અત્યાચારો વધતા પરણિતા મુંબઈમાં પતિનું ઘર છોડીને અમદાવાદમાં પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. પરણિતાએ પોતાએ પોતાના બાળકોને સાથ લઈ જવાની માગણી કરી હતી પરંતુ પતિ અને સાસરિયાઓએ આમ કરવાનો ઈનકાર કરી દીધો હતો. સાસરીમાં થતા ત્રાસનું કોઈ સમાધાન ના આવતા આખરે પરિણીતાએ પતિ તથા સાસરિયા સામે ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે.SSS