વિદેશમાં ૨૭૬ ભારતીયો કોરોનાથી અસરગ્રસ્ત
નવી દિલ્હી: કોરોના વાયરસનો આતંક દુનિયાભરમાં જાવા મળી રહ્યો છે. ઈરાનમાં જીવલેણ વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કરતા હાહાકાર મચી ગયો છે. ઈરાનમાં કોરોનાના પરિણામ સ્વરૂપે મોતનો આંકડો ૧૧૩૫ સુધી પહોંચી ચુક્યો છે. વિદેશમાં રહેતા ભારતીયોની વાત કરવામાં આવે તો કોરોનાના સૌથી વધારે મામલા ઈરાનમાં નોંધાયા છે. વિદેશ મંત્રાલય દ્વારા આજે લોકસભામાં જણાવવામાં આવ્યું હતું કે, વિદેશના ૨૭૬ ભારતીયો કોરોના વાયરસથી અસરગ્રસ્ત થઈ ચુક્યા છે. આમા સૌથી વધારે ૨૫૫ ભારતીય ઈરાનમાં સકંજામાં આવ્યા છે. દેશ કરતા વિદેશમાં રહેલા ભારતીયો કોરોનાના સકંજામાં વધારે આવ્યા છે.
ઈરાન બાદ યુએઈમાં બારથી વધુ ભારતીયો કોરોનાના સકંજામાં આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને આજે લોકસભામાં માહિતી આપતા કહ્યું હતું કે, વિદેશમાં હાલના સમયમાં ૨૭૬ ભારતીય કોરોના વાયરસના સકંજામાં આવી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, હોંગકોંગ, કુવૈત, શ્રીલંકામાં પણ ભારતીય લોકો કોરોનાના સકંજામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, સોમવારના દિવસે ઈરાનથી ૫૩ ભારતીયોનો ચોથો જથ્થો ભારત પરત ફર્યો છે.
આની સાથે જ કોરોના વાયરસથી અસરગ્રસ્ત દેશમાંથી ભારત લાવવામા ંઆવેલા લોકોની કુલ સંખ્યા ૩૮૯ થઈ છે. બુધવારના દિવસે જ લોકસભામાં જુદા જુદા પક્ષોના સભ્યોએ કોરોના વાયરસના પ્રકોપના લીધે ઈટાલી, ઈરાન, ફિલિપાઈન્સ અને મલેશિયામાં ફસાયેલા સેંકડો ભારતીયોને ત્યાંથી ઉપાડી લેવા માટે સરકાર પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે આ વિષય પર સરકાર તરફથી નિવેદન કરવામાં આવશે. રિવોલ્યુશનરી પાર્ટીના પ્રેમચંદ્રને પ્રશ્નકલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, કોરોના વાયરસના પરિણામ સ્વરૂપે અસરગ્રસ્ત દેશોથી વિમાનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ હજારો ભારતીય ઈટાલી, ઈરાન, મલેશિયા અને ફિલિપાઈન્સમાં ફસાયા છે. તમામ લોકોની સ્થિતને લઈને સભ્યો ચિતાતુર છે.
પ્રેમચંદ્રને કહ્યું હતું કે, કેન્દ્ર સરકારને આ ભારતીય નાગરિકોને પરત લાવવાના સંદર્ભમાં સંબંધિત દેશોમાં ખાસ વિમાન મોકલવા જાઈએ ભાજપના અજય મિશ્રાએ પણ આ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિશામાં જેટલા કામ કર્યા છે તેની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે. હજારો ભારતીયોને બીજા દેશોમાંથી પરત લાવવામાં આવ્યા છે. આરોગ્ય કર્મીઓ અને મીડિયાની ભૂમિકા પણ પ્રસંસા પાત્ર રહી છે.