Western Times News

Gujarati News

વિદેશી દાતા ૬૦ ટકા દાનથી ગામમાં કામો કરાવી શકશે

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે, દેશમાં કે દેશ બહાર વિશ્વમાં ક્યાંય પણ વસતા અને ગુજરાતના વતની કોઈ પણ દાતા અથવા જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકારના અનુદાનથી ગુજરાતના ગામડાઓમાં વધુ સારી જનહિત કારી સુવિધાઓ ઉભી કરવા દાતાઓને પ્રોત્સાહન રાજ્ય સરકાર આપશે.

આ યોજનામાં દાતાઓ પોતાના ગામમાં ૬૦ ટકા કે વધુનું રકમનું દાન આપીને કામ કરાવી શકશે. આવી રકમ સામે ખૂટતી ૪૦ ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર આપશે.

આગામી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં આ યોજના અંતર્ગત ૧૦૦૦ કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા સુખાકારીના કામો આવા દાતાઓ અને રાજ્ય સરકાર બંનેના સહયોગથી હાથ ધરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

આ વતન પ્રેમ યોજનામાં જે વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી મઘ્યાહન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સીસીટીવી કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર, એસ.ટી.પટ્ઠી વગેરે, તળાવ બ્યુટીફિક્શન, એસ.ટી સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યુબ વેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો વગેરે કામો હાથ ધરી શકાશે.

આ ગવર્નિંગ બોડીમાં ઉપાધ્યક્ષ તરીકે ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી તેમજ અન્ય સભ્યોમાં પંચાયત અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ, પાણી પુરવઠા, ગ્રામવિકાસ, માર્ગ મકાન, સાયન્સ ટેકનોલોજી વિભાગના સચિવો ઉપરાંત એન.આર.જી ફાઉન્ડેશનના અધ્યક્ષ સભ્યો તરીકે તેમજ વિકાસ કમિશનર સભ્ય સચિવ અને ગ્રામ ક્ષેત્રના વિકાસ કામગીરી સાથે સંકળાયેલા બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આમંત્રિત સભ્યો તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ રાજ્યના ગામોની શાળાઓના ઓરડા નિર્માણના કામોને આ વતન પ્રેમ યોજનાના કામોમાં અગ્રતા આપવા પણ બેઠકમાં પ્રેરક સૂચન કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે યોજનાના વેબ પોર્ટલ પર દરેક ગામોની શાળાઓમાં ઓરડાની જરૂરિયાતની વિગતો ઉપલબ્ધ કરાવવાની સૂચના વિભાગને આપી હતી. રાજ્યમાં શાળાઓમાં જે ઓરડાની જરૂરિયાત છે તે ઓરડા વતન પ્રેમ યોજનાના દાતાઓ અને સરકારના સંયુક્ત અનુદાનથી નિર્માણ કરવાની દિશામાં આગળ વધવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.