વિદેશી નાગરિકોને લોભામણી સ્કીમ આપીને ઠગવામાં આવ્યા

અમદાવાદ: આમ તો સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો હરવા-ફરવા આવતા હોય છે. કોલેજના કે સ્કૂલના સમયે તો પ્રેમી પંખીડાઓ પણ આવતા નજરે પડે છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હવે આ મેદાનમાં કોલ સેન્ટર ચલાવનાર પણ બેસવા લાગ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટના મેદાનમાંથી પોલીસે એવા બે લોકોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ બેઠા હોય તેમ વાહન પર બેસી લેપટોપમાંથી વિદેશી નાગરિકોને છેતરવાનું કોલસેન્ટર ચલાવતા હતા.
![]() |
![]() |
બંને આરોપીઓ મેઘાણીનગરના એક યુવક પાસેથી લીડ મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે જમાલપુર સર્કલ પાસે ખુલ્લા મેદાનમાં રિવરફ્રન્ટ દીવાલ પાસે બે શખ્સો એક્ટીવા પર બેસીને પોતાના લેપટોપમાં કંઈ કામકાજ કરતા હતા. આ બંને શખસોની કામગીરી શંકાસ્પદ લાગતા પોલીસ ત્યાં પહોંચી હતી. રીયાઝ શેખ અને સ્વપ્નિલ ક્રિશ્ચન નામના બે લોકોની પૂછપરછ શરૂ કરી હતી. આ બંને લોકો લેપટોપમાં પે ડે પ્રોસેસ કરી ઇન્ટરનેશનલ કોલ કરી દેશના નાગરિકોને લોન બાબતે લોભામણી સ્કીમ આપી ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું હતું.
જેથી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે બંનેની અટકાયત કરી હતી. આ બંનેના લેપટોપમાં કુલ ૩૪ જેટલા આઈકોન તથા ફાઈલ દેખાતી હતી અને ૧૬ જેટલી એક્સેલ ફાઈલ પણ મળી આવી હતી. આ તમામ ફાઇલોમાં વિદેશના નાગરિકનો ડેટા હતો. જ્યારે આ બંને શખશો વિદેશી કસ્ટમરની લીડની ફાઈલો પણ રાખતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે બન્ને આરોપીઓના મોબાઇલ ફોન અને લેપટોપ કબજે કરી પૂછપરછ શરૂ કરી હતી. આરોપીઓએ કબૂલાત કરી કે, તે પે ડે પ્રોસેસ કરી ઇન્ટરનેશનલ કોલિંગ કરવા માટે મેઘાણી નગરના દીપેશ ઉર્ફે નિખિલ પાસેથી લીડ મેળવી હતી. અને બાકીનો ડેટા ઓનલાઇન મેળવ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.