વિદેશી મહિલાના સ્વાંગમાં શહેરના વૃધ્ધ સાથે ઠગાઈ
ઈંગ્લેન્ડથી અમદાવાદ આવતા કસ્ટમ અધિકારીઓએ તેને પકડી હોવાનું બહાનું કાઢી ઠગ ટોળકીએ વૃધ્ધ પાસેથી પ૯ લાખ રૂપિયા પડાવ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ: ફેસબુક પર મિત્રતા કેળવી વિદેશી મહિલાના સ્વાંગમાં ઠગ ટોળકીએ અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક વૃધ્ધને ફસાવી તેની પાસેથી રૂ.પ૯ લાખની રકમ પડાવી લેતા સનસનાટી મચી ગઈ છે આ અંગે વૃધ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગર નજીક સ્પ્રીંગ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ૬૧ વર્ષના ઉદયભાઈ ભટ્ટ થોડા મહિલા પહેલા ફેસબુક પર રોજી નામની એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને અવારનવાર ફેસબુક પર બંને વચ્ચે વાતચીત થતી હતી જેના પરિણામે ઉદયભાઈએ આ મહિલા પર વિશ્વાસ મુકયો હતો આ દરમિયાનમાં રોજીએ પોતે ઈંગ્લેન્ડની ભારત આવવાની છે
ત્યારે તે અમદાવાદ આવશે તેવુ જણાવ્યું હતું. આ દરમિયાનમાં દિલ્હીથી કસ્ટમ અધિકારીની ઓળખ આપી એક મહિલાએ ઉદયભાઈને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે રોજી નામની મહિલા તેની સાથે પ્રતિબંધિત બીટ કોઈન લઈને આવેલી છે જેની અંદાજે કિંમત પ૦ લાખ રૂપિયા જેટલી થવા જાય છે
જેના બદલામાં રોજીને કસ્ટમમાંથી છોડાવવા માટે પૈસા ભરવા પડશે આ બીટ કોઈનના નાણાં ભારતીય નાણાંમાં કન્વર્ટ કરવાના બહાને ઉદયભાઈને આ ઠગ ટોળકીએ ફોન કરીને ખોટા દસ્તાવેજા મોકલી આપ્યા હતા કસ્ટમ સર્વિસના ખોટા દસ્તાવેજા મળતા જ ઉદયભાઈએ જુદી જુદી બેંકોમાં અલગ અલગ ખાતાઓમાં કુલ રૂ.પ૯ લાખ ભરાવડાવ્યા હતા ત્યારબાદ તપાસ કરતા આવી કોઈ મહિલા ઈંગ્લેન્ડથી દિલ્હી આવી ન હતી તેવુ માલુમ પડતાં જ ઉદયભાઈ પોતે છેતરાયા હોવાનું ભાન થયું હતું.
આટલી મોટી રકમની છેતરપીંડી થતાં ઉદયભાઈએ અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાંચનો સંપર્ક સાધ્યો હતો અને સંપૂર્ણ હકીકત જણાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં ઉદયભાઈ ઉપર આવેલા બંને ફોન નંબરો પણ મેળવી સાયબર ક્રાઈમે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.