વિદેશી સ્ટુડન્ટ્સના વીઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચાયો
ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પેે યુનિવર્સિટી અને વિદેશી સ્ટુડન્ટ્સના દબાણમાં પીછેહટ કરી છે. અમેરિકામાં રહીને ઓનલાઇન એજ્યુકેશન મેળવી રહેલા સ્ટુડન્ટ્સના વીઝા રદ કરવાના નિર્ણયના ઘણા વિરોધ બાદ ટ્રમ્પ સરકારે પરત લઈ લીધો છે.કોર્ટમાં ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગના વકીલે કહ્યું કે આ સુનાવણીની હવે જરૂર નથી કારણ કે અમે આ નિર્ણય પરત લેવા માટે તૈયાર છીએ. ટ્રમ્પ સરકારના પાછળ હટવાથી અમેરિકામાં રહેતાં હજારો સ્ટુડન્ટ્સને રાહત મળી છે.
ટ્રમ્પ પ્રશાસને ગત સપ્તાહે જ આદેશ આપ્યો હતો કે જે વિદેશી સ્ટુડન્ટ અમેરિકન યુનિવર્સિટીથી ઓનલાઇન એજ્યુકેશન મેળવી રહ્યા છે, તેમને પરત તેમના દેશ જવું પડશે. ટ્રમ્પ પ્રશાસને તેનું કારણ કોરોના સંક્રમણને ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ઓનલાઇન કોર્સ માટે અમેરિકામાં રોકાવાની કોઈ જરૂર નથી. આવા તમામ સ્ટુડન્ટ્સના વીઝા રદ કરવાનો પણ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે તેનો વિરોધ થયો અને જાૅન હોપકિન્સ યુનિવર્સિટી, હાર્વર્ડ, એમઆઈટીએ ગત બુધવારે કોર્ટમાં આ નિર્ણયની વિરુદ્ધ એક અરજી દાખલ કરી હતી.
કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ટ્રમ્પ પ્રશાસને નિર્ણય પરત લેવાની સહમતિ આપી છે. જસ્ટિસ એલીસન બરોજે સુનાવણીમાં કહ્યું કે, સરકારે પોતાના જૂના નિર્ણય રદ કરી દીધા છે. સાથોસાથ જૂના નિર્ણય પર ચાલી રહેલી કાર્યવાહીને તાત્કાલિક રોકવાની પણ સહમતિ આપી દીધી છે. હાર્વર્ડના પ્રેસિડન્ટ લોરેન્સ એસ. બેંકોએ યુનિવર્સિટી કમ્યુનિટીને આપેલા સંદેશમાં કહ્યું હતું કે, ટ્રમ્પ પ્રશાસને આ આદેશ કોઈ સૂચના વગર આપ્યો હતો. એવું લાગે છે કે કોલેજો અને યુનિવર્સિટીઓ પર કલાસરૂમ ખોલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
પ્રશાસને સ્ટુડન્ટ્સ, ઇસ્ટ્રક્ટર અને અન્ય લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની કોઈ ચિંતા નથી.નોંધનીય છે કે, ટ્રમ્પ સરકારે યુનિવર્સિટીઝ પર ઓનલાઇન કોર્સિસ શરૂ કરવાનું દબાણ ઊભું કર્યું હતું અને જ્યારે કેટલાક કોર્સમાં તે શરૂ થયું તો સ્ટુડન્ટ્સને પરત મોકલવાનું ફરમાન સંભળાવી દીધું. અમેરિકાની સરકારે કહ્યું હતું કે જે સ્ટુડન્ટ્સના તમામ ક્લાસ ઓનલાઇન શિફ્ટ થઈ ગયા છે, તેમણે પોતાના વતન પરત જવું પડશે. આ નિર્ણયથી કુલ ૧૦ લાખ સ્ટુડન્ટ્સ પર અસર પડવાની હતી. અમેરિકામાં હાલમાં બે લાખથી વધુ ભારતીય સ્ટુડન્ટ્સ છે જે આ નિર્ણય બાદ દેશ પરત ફરવા માટે મજબૂર થઈ જાત.