વિદેશ જતી વખતે પ્રવાસ વીમો ઉતરાવવાનું ભૂલશો નહીં
વિદેશ ગયા પછી તકલીફોમાંથી બચવા માટે વીમાનું આયોજન બહુ વિચારીને કરવું જાેઈએ, તેનું પેપરવર્ક ધ્યાનથી અને ચીવટપૂર્વક કરવું જરૂરી છે, દરેક વિગતો સમજીને આપવી અને કોઈ વાત છુપાવવી નહિ
બે વર્ષથી પણ વધારે સમય ચાલ્યા બાદ હવે કોરોના મહામારીનો અંત નજીક આવતો જાેઈ શકાય છે. તેના દર્દીઓ કે તેની અસર નીચે આવેલા લોકોની સંખ્યા તેમ જ તેને કારણે થતાં મોતની સંખ્યામાં ઝડપી ઘટાડો આવ્યો છે. લોકોએ સાવધાની રાખી તેને લીધે કે પછી માસ્ક પહેરવાની વ્યાપક બનેલી પ્રથાને કારણે કે પછી ઝડપી રસીકરણને લીધે આ ઘટાડો આવ્યો હશે
એમ માની શકાય. અલબત્ત વાયરસની અસર સમય સાથે આપોઆપ ઘટી હોય એ પણ શકય છે. પણ લોકોને માટે હવે રાહતના સમાચાર આવી રહયા છે. ઘણી જગ્યાઓએ નિયંત્રણો ઉઠાવી લેવાયા છે અને અમૂક જગ્યાએ તો લોકોએ આ સમયની યાદ પણ નથી.
બે વર્ષ ઘરમાં ગોધાઈ રહેલા લોકો હવે જાણે મરણિયા બનીને બહાર હરવાફરવા માંયા છે. હોટલોના ધંધામાં ફરીથી બરકત આવેલી દેખાય છે. રસ્તા પર ફેરિયાઓ પણ પાછા આવી ગયા છે. અલબત્ત કેટલાક કિસ્સા હશે જયાં ગામ ગયેલા કારીગરો હજુ પાછા ન ફર્યા હોય.
આવા માહોલમાં વિદેશી પ્રવાસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ભારતના જે નાગરિકો ગત બે વર્ષથી વિદેશ પ્રવાસે નહોતા જઈ શક્યા એ બધા પ્રવાસ ખેડવા લાગ્યા છે. નવા મુલાકાતીઓ પણ તેમાં સામેલ થયા છે. કેટલાક લોકો તો હવે વિવિધ સમારંભ પણ વિદેશમાં રાખતા થયા છે.
એરપોર્ટ અને બીજી ઘણી જગ્યાએ એરપોર્ટના નિયંત્રણો, ચકાસણી વગેરે હળવા બન્યાં છે અથવા સાવ જ ઉઠી ગયા છે. પરિણામે લોકોને વિદેશ પ્રવાસની મજા માણવાની તક ફરીથી સાંપડી છે.
પણ એક બદલાવ જાેઈ શકાય છે. અગાઉ જયારે લોકો વિદેશી પ્રવાસનું આયોજન કરતા ત્યારે તેમની પ્રાથમિકતામાં કઈ એર લાઈન્સ પસંદ કરવી, સાથે શું લઈ જવું, ત્યાં જઈને શું શોપિંગ કરવું ઈત્યાદિ વાતો રહેતી, પણ હવે તેમાં એક નવી વાત ઉમેરાયેલી જાેવા મળે છે. મહામારીના સમયમાંથી પસાર થયા બાદ લોકો હવે વીમો લેવાની વાતને અગ્રતા આપે છે.
સુત્રોના કહેવા પ્રમાણે આ મુદ્દો હવે ટોચ પર આવે છે. પ્રવાસીઓ સમજે છે કે વિદેશ જઈને જાે માંદા પડયા તો ત્યાં તેનો ઈલાજ કે સારવાર કરવો ભારે મોંઘો પડી શકે. વિકસિત દેશોમાં તબીબી ખર્ચ ઘણો ઉચો હોય છે. એટલે વિદેશ પ્રવાસ વખતે તબીબી વીમો લેવો હવે બિલકુલ જરૂરી બની ગયો છે. ઘણા એવા દેશો અને એરલાઈન્સ કંપનીઓ છે જે તબીબી વીમા વગર તમને પ્રવાસ કરવા દેતા નથી.
સામાન્ય રીતે કોઈ વ્યક્તિ વિદેશ જતી વખતે જે વીમો લે એ ફકત હવાઈ મુસાફરી પુરતો હોય છે. તમે મુસાફરી કરતા હો તે દરમિયાન જાે કોઈ તબીબી સમસ્યા ઉભી થાય તો તેની સારવારનો ખર્ચ વીમા પોલિસીમાં આવરી લેવાયો હોય. એટલે તમારો એ ખર્ચ બચી જાય. માટે તમારે સરખો વિચાર કરીને કેવો વીમો લેવો તેનો નિર્ણય લેવો જાેઈએ.
વીમો તો અનેક પ્રકારનો મળે, પણ તેમાંથી તમારે કયો વીમો લેવો એ તમારે નકકી કરવાનું છે. વિવિધ વીમા કંપનીઓના પ્રીમિયમ દર પણ જાણવા પડે. આ બધામાં સમય જાેઈએ, પણ એ સમય કાઢવા ઘણું અગત્યનું છે. જાે પૂરતો અને યોગ્ય વીમો નહિ હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો.
થોડી વિગતે વાત કરીએ તો તમારે કેટલો વીમો લેવો જાેઈએ એ તમે કયા જાઓ છો, કેટલા દિવસ રહેવાના છો અને ત્યાં શું કરવાના છો જેવી બાબતો પર આધાર રાખે છે. જાે તમે અમેરિકા જવાના હો અને ત્રણેક મહિના કે એથી પણ વધુ સમય રહેવાના હો તો તમારે મોટી રકમનો વીમો લેવો જાેઈએ. નિષ્ણાતોના મત અનુસાર આવી વ્યક્તિએ ઓછામાં ઓછો એક લાખ ડોલરનો વીમો લેવો જાેઈએ.
પ્રવાસ વીમાની પોલીસીના વિવિધ પ્રકાર છે. તેમાંથી અમુકમાં ડિડકટિબલ નામે ઓળખાતો મુદ્દો છે. આ એવી રકમ છે જે તમારે તમારા ખિસ્સામાંથી આપવાની રહે છે. માંદા પડો અને હોસ્પિટલમાં જાઓ તો નકકી થયેલા ડિડકટિબલ જેટલો ખર્ચ પહેલા તમારે જાતે ભોગવવો પડે. એ પછી જ વીમા કંપની ચિત્રમાં આવે.
કોઈ પોલિસીમાં કેટલું ડિડકટિબલ છે એ જાણી લેવું આવશ્યક છે. સામાન્ય રીતે વધુ ડિડકટિબલવાળી પોલિસીમાં પ્રીમિયમ ઓછું હોય.
તમે જેટલા દિવસ વિદેશમાં રહેવાનું આયોજન કરતા હો તેનાથી વધુ સમયનો વીમો લેવો સલાહભર્યું છે. ધારો કે તમે દસ દિવસ અમેરિકામાં રહેવાના હો તો ૧પ દિવસનો વીમો લેવો જાેઈએ, કેમ કે કોઈ કારણસર તમે સમયસર પાછા ન આવી શકો કે ખરાબ હવામાનને લીધે તમારી ફલાઈટ રદ થાય તો આવો વીમો હાથવગો થઈ પડે.
વિદેશ જવા પાછળ તમારો હેતુ શો છે એ પણ મહત્વનું છે. જાે તમે અભ્યાસ માટે જતા હો તો તમારે અલગ જાતનો વીમો લેવો જાેઈએ. સ્પોટર્સ માટે પણ વિભિન્ન પ્રકારનો વીમો લાગુ પડે. એ વિષે પુરતી તપાસ કરો અને યોગ્ય વીમો લો એ ઘણું જરૂરી છે.
ફલાઈટને મોડું થાય કે રદ થાય અને આગળની ફલાઈટ જતી રહે તો તમે રઝળી ન પડો એ માટે કે પછી તમારો સામાન ગુમ થઈ જાય તો તેના વળતર માટેની વીમા પોલિસી પણ ઉપલબ્ધ છે.
ટૂંકમાં વિદેશી પ્રવાસે પહેલા જે અગત્યના નિર્ણયો લેવાના છે તેમાં વીમો ટોચ પર છે. વિદેશ ગયા પછી તકલીફોમાંથી બચવા માટે આનું આયોજન બહુ વિચારીને કરવું જાેઈએ અને તેનું પેપરવર્ક ધ્યાનથી અને ચીવટપૂર્વક કરવું જરૂરી છે. દરેક વિગતો સમજીને આપવી અને કોઈ વાત છુપાવવી નહિ એ સમજી લેવાનું.
અલબત્ત વીમો મફત તો મળતો નથી તમારે એનું પ્રીમિયમ તો ભરવું જ પડે પણ એ જરૂરી છે એટલે પ્રવાસના બજેટમાં એનો ચોકકસ સમાવેશ કરવો જાેઈએ. જાે વીમાનો લાભ લેવાનો વારો આવે તો એ માટે શું પ્રક્રિયા છે એ પણ જાણી લો અને નોંધી રાખો.
સામાન્ય રીતે આ સૌથી મુશ્કેલ કામ હોય છે માટે એ વિષે જરૂર પડે તો કોઈ અનુભવી કે નિષ્ણાંત એવી વ્યકિતની સલાહ લેવી અને પછી કોઈ ટેકિનકલ કારણસર આ પૈસા નકામાં ન જાય એ માટે તેનું પેપરવર્ક કાળજીપૂર્વક કરવું જાેઈએ.