વિદેશ સચિવથી લઈને નીતિ આયોગના CEOની જાસૂસી
નવી દિલ્હી: પૂર્વ લદાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનના વધુ એક કાવતરાનો ખુલાસો કર્યો છે. ચીન ભારતની અર્થવ્યવસ્થાની સાથે વિદેશ નીતિની પણ જાસૂસી કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી જે રીતે ખુલાસા થઈ રહ્યા છે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે ચીને પોતાની એક કંપનીથી ભારતના અનેક શોધકર્તાઓ, થિન્ક ટેન્ક અને મીડિયા સંગઠનોથી જોડાયેલા ૨૦૦ લોકોની જાણાકારી મેળવી છે.
ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત રિપોર્ટ બાદ ફેસબુકે ઝેન્હુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની લિમિટેડના ફેસબુકથી જોડાયેલા પેજ પર રોક લગાવી દીધા છે. રિપોર્ટ મુજબ, ચીનની સેના અને ઇન્ટેલિજન્સ એજન્સી સાથે જોડાયેલી કંપની ઝેન્હુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની લિમિટેડે ઓવરસીઝની ઇન્ડિવિજ્યૂઅલ ડેટાબેઝ હેઠળ ભારતના ૪૦ સેવારત અને સેવાનિવૃત્તિ ભારતીય વિદેશ સેવાના અધિકારી, જેઓએ પ્રમુખ ડિપ્લોમેટિક પદોને સંભાળે છે તેની જાણકારી એકત્ર કરી છે.
તપાસમાં જે નામોનો ખુલાસો થયો છે તેમાં વિદેશ સચિવ હર્ષવર્ધનથી લઈને ઈઝરાયલમાં ભારતના રાજદૂત સંજીવ સિંગલાનું નામ પણ સામેલ છે. નોંધનીય છે કે, સંજીવ સિંગલા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે. તેની સાથે જે આઇએફએસ અધિકારીઓ પર ચીન સતત નજર રાખી રહ્યું છે તેમાં સંયુક્ત રાષ્ટ્રમાં તૈનાત સભ્ય પણ સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિ અને સંયુક્ત નિરીક્ષક એકમના એ. ગોપીનાથન પણ સામેલ છે.
ચીન આ તમામ સભ્યો ઉપરાંત જે હસ્તીઓની જાણકારી ચોરી રહ્યું છે તેમાં નેધરલેન્ડમાં ભારતીય રાજદૂત વેણુ રાજામનિનું નામ પણ સામેલ છે. ઓરેઆઈડીબીમાં જાપાન ખાતેના રાજદૂત સંજય વર્માનું નામ પણ સામેલ છે જેઓ હોંગકોંગ અને ચીનમાં સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત સઉદી અરબમાં રાજદૂત ઔસાફ સઈદ અને મેડાગાસ્કરમાં રાજદૂત અભય કુમાર પણ સામેલ છે. તેની સાથે જ નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત, વિદ્વાન ઈતિહાસકાર રોમિલા થાપર અને રાજકીય મનોવૈજ્ઞાનિક અશોક નંદી, ધ્રુવ જયશંકર ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના નિદેશક (વિદશે મંત્રી એસ. જયશંકરના દીકરા છે) પણ સામેલ છે.