વિદ્યાર્થીઓનાં મનમાં નવાચારનો જુસ્સો પ્રગટ કરવો જોઈએઃ મોદી
શિક્ષકોએ પ્રારૂપને બદલે પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં વપરાશને નિયંત્રણમાં લાવવા માટે શિક્ષકોએ સક્રિય ભાગીદાર બનવું જોઈએ
નવી દિલ્હી, શિક્ષક દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંદેશનો મૂળપાઠ નીચે મુજબ છેઃ
“તમને અને સમગ્ર શિક્ષક સમુદાયને શિક્ષક દિવસની શુભેચ્છાઓ. હેપ્પી ટિચર્સ ડે! આ દિવસે સમગ્ર શિક્ષક સમુદાયને તેમની મહેનત, પ્રતિબદ્ધતા અને કટિબદ્ધતા માટે સલામ કરું છું. વર્ગખંડમાં વિષયોનો અભ્યાસ કરાવવા ઉપરાંત શિક્ષકો ભારતનાં યુવાન નાગરિકો માટે માર્ગદર્શક અને પરામર્શક છે, જેઓ તેમનાં વિદ્યાર્થીઓનાં જીવનને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શિક્ષકોનાં નિઃસ્વાર્થ સ્વભાવની વિશ્વમાં પ્રશંસા થાય છે. વ્યસ્તતા અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે પણ તેઓ સુનિશ્ચિત કરે છે કે, વિદ્યાર્થીઓ નવા વિચારો અને વિભાવનાઓ સરળતાપૂર્વક શીખવા માટે સક્ષમ બને.
પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરો:
અત્યારે ભારતમાં શિક્ષણક્ષેત્રે મોટા પાયે પરિવર્તન થઈ રહ્યું છે. આપણે માત્ર પ્રારૂપ પર ધ્યાન કેન્દ્રિત કરવાનાં અભિગમમાંથી હવે પરિણામોને પ્રાથમિકતા આપી રહ્યાં છીએ. આ સંદર્ભમાં આપણા શિક્ષકો બાળકોમાં સંશોધન અને નવાચારનાં જુસ્સાને પ્રગટ કરવા માટે મહેનત કરી રહ્યાં છે એ જોઈને આનંદ થાય છે. આ જ ઉત્સાહ આપણા યુવાનોને તેમનાં પોતાનાં માટે અને દેશ માટે અસાધારણ કામગીરી કરવા માટેની ક્ષમતા પ્રદાન કરશે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં વપરાશને નિયંત્રણમાં લેવામાં મદદ કરો:
આ શિક્ષક દિવસે હું મારા સાથી શિક્ષકોને એક વિનંતી કરવા ઇચ્છું છું. તમે જાણો છો કે ભારતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા માટે જન આંદોલન શરૂ કર્યું છે. હું આ અભિયાનમાં શિક્ષક સમુદાયોનો સક્રિય ટેકો અને ભાગીદારી મેળવવા ઇચ્છું છું. જો શિક્ષકો વિદ્યાર્થીઓને સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી આપણા પર્યાવરણને થતાં નુકસાન વિશે સમજાવે અને એનો ઉપયોગ ન કરવાની સલાહ આપે, તો વિદ્યાર્થીઓને આ અભિયાનમાં સામેલ થવા માટે પ્રોત્સાહન મળશે. આ આપણા રાષ્ટ્રપિતા બાપૂની 150મી જન્મજયંતી પર તેમને મહાન શ્રદ્ધાંજલિ બની રહેશે.
આજનાં દિવસે હું ડૉ. એસ. રાધાક્રિષ્ણનને પણ શ્રદ્ધાસુમન પાઠવું છું, જેઓ ઉત્કૃષ્ટ શિક્ષક અને માર્ગદર્શક હતાં. એમનું જીવન યુવા પેઢીને શિક્ષણનાં ઉદ્દાત વ્યવસાયમાં સામેલ થવા અને યુવાનોને ઘડવા વધુ લોકોને પ્રેરિત કરે એવી પ્રાર્થના.
એક વાર ફરી શિક્ષક દિવસની શુભેચ્છાઓ!”