વિદ્યાર્થીઓ ડ્રગ્સની લતમાં ન ફસાય: જયરાજસિંહ વાલા
“મજા સજામાં પરિવર્તિત ના થવી જોઈએ” –GLS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા ‘ડ્રગ પ્રિવેન્શન એન્ડ યુથ‘ વિષય ઉપર વ્યાખ્યાન નું આયોજન
GLS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા ‘એકેડમીક્સ એન્ડ બિયોન્ડ’ વ્યાખ્યાન શ્રેણી હેઠળ ‘ડ્રગ પ્રિવેન્શન એન્ડ યુથ’ વિષય ઉપર વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં બે પ્રતિષ્ઠિત વક્તા આમંત્રિત કરાયા હતા: અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી જયરાજસિંહ વાલા અને એલિક્સિર ફાઉન્ડેશનના યુથ પ્રોગ્રામ્સના મેનેજર અને ગુજરાત યુથ ફોરમના સીઈઓ શ્રી કૃણાલ શાહ જેમને તાજેતરમાં જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ માં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
વ્યાખ્યાનની શરૂઆત કરતા શ્રી જયરાજસિંહ વાલાએ જણાવ્યું હતું કે ડ્રગ્સનું દુષણ અત્યંત વ્યાપક છે. વ્યાખ્યાનનો મુખ્ય હેતુ એ છે કે ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સની લતમાં ન ફસાય અને જો કોઈ ફસાયેલું હોય તો તેને મદદ મળી રહે. તેમણે સમાજમાં પ્રચલિત વિવિધ પ્રકાર ના ડ્રગ્સ ની વિસ્તૃત ઝાંખી રજૂ કરી હતી. તેમણે ચર્ચા કરી કે કેવી રીતે ડ્રગ્સ ઘણીવાર છૂપી રીતે અને નાની દુકાનોમાં ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે,
જેનાથી તે યુવાનો માટે વધુ સુલભ બને છે. તેમણે આગળ સમજાવ્યું કે કેવી રીતે વ્યક્તિ પીઅર પ્રેશર હેઠળ ડ્રગ્સનો વ્યસની બની જાય છે. તે જીવનમાં તણાવ અથવા ફક્ત નવી વસ્તુઓ અજમાવવાના વિચારને કારણે તેનો ભોગ બની જાય છે. પીઅર પ્રેશર, જિજ્ઞાસા અને તણાવ પ્રારંભિક ડ્રગના ઉપયોગ માટે સામાન્ય ઉત્પ્રેરક છે. ઓછી માત્રામાં પણ ડ્રગ્સનું સેવન શરીરમાં ડોપામાઈન પેદા કરે છે , જેના કારણે વ્યક્તિ સારું અનુભવવા લાગે છે.
જેના કારણે વ્યક્તિને નશો કરવાની આદત પડી જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં તે વ્યસન તરફ દોરી જાય છે જેનાથી ઉપભોક્તા પોતાના પરનું નિયંત્રણ ગુમાવે છે. ડ્રગ્સ વ્યક્તિ ને હિંસા તરફ દોરી જાય છે. ડ્રગ્સના પ્રભાવ હેઠળના વ્યક્તિ માં વિવિધ લક્ષણો જેવા કે લાલ આંખો, એકાગ્રતાનો અભાવ, અનિદ્રા, ખેંચ વગેરે જોવા મળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડ્રગ્સ ની લત જાણીતા લોકો અને મિત્રો જ લગાડે છે. આ આદત ખર્ચાળ છે એટલે એક વખત ફસાયા પછી વ્યક્તિ ખર્ચ પૂરો કરવા પેડલર બની બીજા શિકાર ની શોધ કરે છે. ડ્રગ્સ થી શરીર અને જીવન બરબાદ થઇ જાય છે.
વધુમાં તેમણે વિદ્યાર્થીઓને ડ્રગ્સ થી દૂર રહેવા માટેના કેટલાક ઉપાય બતાવ્યા હતા. શારીરિક પ્રવૃત્તિઓ જેમ કે ચાલવું, દોડવું, કસરત કરવી, રમત ગમત માં જોડાવું, મિત્ર વર્તુળ સ્ટ્રોંગ રાખવું, રોજિંદી પ્રવૃત્તિ માં વાંચન નો સમાવેશ કરવો, માતાપિતા સાથે નિયમિત વાતચીત કરીને અને તેમને રોજિંદી પ્રવૃત્તિઓ વિશે માહિતગાર રાખવા. આ બધી પ્રવૃતિઓ દ્વારા તેઓ ડોપામાઇનનો કુદરતી ડોઝ મેળવી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને વિનંતી કરી કે તેઓ ડ્રગ્સના પ્રભાવ હેઠળ હોય તેવા કોઈને જાણતા હોય તો મદદ માટે પહોંચે.
શ્રી વાલાની રજૂઆત બાદ, શ્રી કૃણાલ શાહે સરળતાથી ઉપલબ્ધ ડિજિટલ કન્ટેન્ટ દ્વારા ઊભા થતા આધુનિક પડકારોની ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરી હતી. તેમણે ધ્યાન દોર્યું કે OTT પ્લેટફોર્મનો ઉપયોગ ઘણીવાર ડ્રગ્સ ના ઉપયોગને ગ્લેમરાઇઝ કરે છે. શ્રી શાહે ડ્રગના ઉપયોગની નાણાકીય અસરો વિશે વધુ વિગતવાર જણાવ્યું, કેવી રીતે આવી આદતોને ટકાવી રાખવાથી વ્યક્તિઓ નિર્ભરતા અને નાણાકીય અસ્થિરતાના દુષ્ટ ચક્ર માં ફસાય છે.
કૃણાલ શાહે પોતાની વાત ની રજૂઆત ખૂબ જ સહજ લાગતા મુદ્દા પર કરી છે કે પોલીસ હંમેશા દેશ ના નાગરિકો ની મદદ કરવા માં સફળતા પ્રાપ્ત કરે એ જરૂરી નથી,તેમનો પ્રયત્ન સારો હોય છે પણ હંમેશા એ પુરવાર જ થાય એવું વિચારતા વ્યક્તિઓ જો દેશ ના નાગરિક થઈ ને સંવિધાન માં લખેલી 2 શરતો નું પણ પાલન કરી લે ને તો તેમણે ઘણી મદદરૂપ રહેશે.
હંમેશા સરહદ ઉપર જઈને લડાઈ કરવી એ જ દેશભક્તિ હોય શકે આ વાત તદ્દન ખોટી છે,દેશ ના નાગરિક થઈ ને પોતાની ફરજો નું પાલન કરવું એ પણ એમાંનું જ એક દેશભક્તિ નું લક્ષણ છે અને સંવિધાન માં લખેલી શરતો નું જ પાલન કરવું એવું પણ યોગ્ય ન લાગે તો મહેરબાની કરીને અફીણ,ગાંજા કે પછી અન્ય કોઈ પણ કેફી પદાર્થનું સેવન કરતા વ્યક્તિઓ ને રોકવું એ પણ બહુ મોટી વાત છે.
મુખ્ય સર્વે પ્રમાણે આજ ની યુવા પેઢી કેફી પદાર્થ નું સેવન કરે છે. પોલીસ કદાચ ૧૦૦ લોકો ને નશામુક્તી સાથે જોડવા પ્રેરતી હશે તો આપણે તો આજ ની પેઢી છીએ. આપણે આપણા આજુબાજુ ના વાતાવરણ માં ઘણા બધા ને નશા સાથે સંકળાયેલા જોતા હઈશું તો આપણું થોડુક યોગદાન પણ ઘણું બધું સુધારી શકે છે.
કોઈ પણ રીત નું કેફી પદાર્થ ખરીદવા પાછળ નો ઉદ્દેશ તે દેશ ને સર્વે રીતે પાછું પડવાનો, તે દેશ માં આતંકવાદ ફેલાવવાનો કે પછી તે દેશની યુવા પેઢી ને પોતાની શક્તિઓ વિપરીત માર્ગે લઇ જવાનો હોય છે તથા આવા અફીણ પદાર્થ ની ખરીદી પાછળ વપરાતુ નાણું કોઈ પણ રીતે દેશ ને ઉપયોગી થતું નથી.
આજની યુવા પેઢી થઈને એક વિચારવિષયક બાબત નક્કી કરવી જોઈએ કે તમે કોનો પક્ષ લેશો ,એક દેશ ના નાગરિક થઈને. ડ્રગ્સના દૂષણને અટકાવવાનો સૌથી દ્રઢ ઉપાય એક જ છે ‘ ના’ પાડવી. અંતે ફક્ત એક જ વાત કહેલી કે પોતાના પર દ્રઢ વિશ્વાસ રાખવો. વ્યાખ્યાન ના અંત માં તેમણે વિદ્યાર્થીઓ ને ડ્રગ્સ નહિ લેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સમગ્ર વ્યાખ્યાનનું સંકલન ડો. ભૂમિકા આંસોદરીયા અને ડો.આશલ ભટ્ટે કર્યું હતું.