વિદ્યાર્થીને મોંઢે ડૂચો મારી ફટકારનાર બે શિક્ષિકાને ત્રણ વર્ષ કેદ
(એજન્સી) અમદાવાદ, સરખેજ વિસ્તારમાં આવેલી સ્કુલમાં પાંચ વર્ષનો કિશોર વારંવાર પાણી પી, લઘુશંકા કરવા જતો હતો. જેથી બે શિક્ષિકાઓએ તેને મોંઢે કાગળનો ડૂચો મારી ઉંધો લટકાવ્યો હતો અને માર માર્યો હતો. આ મામલે ફરીયાદ બાદ કોર્ટમાં કેસ ચાલતા ગ્રામ્ય કોર્ટના જજ ટી.અ.ભાડજાએ આરોપી બે શિક્ષિકાને ત્રણ ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. ઉપરાંત જીલ્લા શિક્ષણાધિકારીને તેમની સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
મનોજભાઈ(ઓળખ છુપાવવા નામ બદલ્યુ છે) પોતાના પાંચ વર્ષના દિકરાને સ્કુલે લેવા રર જૂન ર૦૧૭ના રોજ લેવા ગયા ત્યારે સ્કુલની શિક્ષિકા તરૂણાબેન મોહનભાઈ પરબતિયા અને નઝમાબેન ગુલામ હૈદર ગુલામ રસુલ શેખ મોંઢે કાગળનો ડૂચો મારી ઉંધો લટકાવી મારી રહ્યા હતા. જેથી મનોજભાઈએ શિક્ષિકાને આ મામલે પૃચ્છા કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે તમારો દિકરો વારંવાર પાણી પીવા અને લઘુશંકા કરવા જાય છે તેથી માર્યો હતો.
ત્યારબાદ દિકરાની તપાસ કરતા તેનેે શરીરે ચાઠા પડી ગયા હતા. જેના કારણે મનોજભાઈએ દિકરાની સારવાર કરાવી હતી. અને આ મામલે સરખેજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ કેસમાં સરકારી વકીલ ધીરૂ જે. પરમારે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજુ કરી કોર્ટને જણાવ્યુ હતુ કે શિક્ષિકાઓએ નજીવી બાબતે પાંચ વર્ષના બાળકને ક્રુરતાપૂર્વક માર માર્યો હતો.
મેડીકલ પુરાવામાં પણ ગુનો પુરવાર થાય છે. આખી ફરીયાદ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા શિક્ષકોમાં કાયદાનો ડર રહે અને સમાજમાં દાખલો બેસે એ માટે આરોપીઓને સજા કરવી જાેઈએ.