વિદ્યુત જામવાલ બેસ્ટ ફ્રેન્ડ સિદ્ધાર્થને યાદ કરી રડી પડ્યો
મુંબઈ, બિગ બોસ-૧૩ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું થોડા દિવસ પહેલા જ નિધન થયું છે. જાેકે, તેના ચાહકો હજી તેને ભૂલાવી શકતા નથી. સિદ્ધાર્થ શુક્લાના ચાહકોને હજી પણ વિશ્વાસ થઈ રહ્યો નથી કે તે હવે આ દુનિયામાં નથી. લોકો અલગ-અલગ રીતે તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બોલીવૂડ અભિનેતા વિદ્યુત જામવાલે પણ સિદ્ધાર્થને યાદ કર્યો છે. વિદ્યુતે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે સિદ્ધાર્થ સાથેની પોતાની મિત્રતા અને કિસ્સાઓ યાદ કર્યા છે.
જાેકે, વિદ્યુતે હસતા મોઢે પોતાના ગાઢ મિત્રને યાદ કર્યો હતો જ્યારે ઘણી એવી ક્ષણોએ તેની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. વિદ્યુતના વિડીયોની નીચે પ્રતિક્રિયા આપતા ઘણા ચાહકોએ લખ્યું હતું કે, તમે અમને રડાવી દીધા. વિદ્યુત જામવાલ પોતાના વિડીયોની શરૂઆત મંત્રથી કરે છે. તેમાં તેણે જણાવ્યું છે કે છેલ્લે તે સિદ્ધાર્થને આ વર્ષે ૧૫ જૂલાઈએ મળ્યો હતો.
તેણે કહ્યું હતું કે, સિદ્ધાર્થ અચાનક જ ફોન કરીને તેને મળવાનું કહેતો હતો, અને ખરો મિત્ર આવો જ હોય છે. વિદ્યુત સિદ્ધાર્થને ૧૫-૨૦ વર્ષથી જાણતો હતો. તે વિદ્યુતનો જીમ પાર્ટનર પણ હતો. પોતાના આ વિડીયોમાં તેણે બીજી ઘણી બધી વાતો કરી છે.
વિડીયોમાં વિદ્યુત સિદ્ધાર્થને અસલી મર્દ કહે છે. તેણે કહ્યું હતું કે જાે તમારો ઉછેર મહિલાઓ કરે છે અને તે પણ ત્રણ મજબૂત મહિલાઓ તો તમે અસલી મર્દ છો. હું આવું એટલા માટે કહું છું કેમ કે જ્યારે પણ તેનો ઉલ્લેખ કરું છું ત્યારે હું કહેતો હતો કે મર્દ તો આવા જ હોય છે. તે બાળકોથી લઈને મોટા તમામ લોકોનું સન્માન કરતો હતો. તે વોચમેનને પણ સન્માન આપતો હતો.
જીમમાં કોઈ એવો વ્યક્તિ ન હતો કે જે સિદ્ધાર્થથી ડરતો ન હતો, અને એવો એક પણ વ્યક્તિ ન હતો જે તેને પ્રેમ ના કરતો હોય. આમ ઘણી બધી વાતો વિદ્યુતે પોતાના વિડીયોમાં જણાવી છે. સિદ્ધાર્થ વિશે આવી વાતો જાણ્યા બાદ ચાહકો ભાવુક થઈ ગયા હતા અને તેને અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ ગણાવી છે.SSS